કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના અપરિણીત યુવકને પરિણીતા સાથેના ફોટોગ્રાફના આધારે હની ટ્રેપ કરી ૨૨ લાખ રૂપિયા પડાવવાના ગુનામાં LCBએ વડોદરાથી યુગલને ઝડપ્યાં બાદ છઠ્ઠા શખ્સની ધરપકડ કરી છે. LCBએ ભુજના એરપોર્ટ રોડ પર આવેલી ગાંધીનગરીમાં રહેતા બાવન વર્ષિય હાસમ ઊર્ફે ફકીરો કાસમ કાતિયારની ધરપકડ કરી છે. મુસ્કાન ઊર્ફે શહેનાઝ જ્યારે યુવક જોડે હિલ ગાર્ડનમાંથી નીકળતી હતી ત્યારે ગેટ પર મુસ્કાનના કાકાજી સસરા બનીને હાસમ ઊભો હતો. ભત્રીજા વહુને પ્રેમી સાથે રંગેહાથ પકડી પાડી હોવાનો અભિનય કરીને તેણે બેઉને પોતાની પાસે બોલાવવા પ્રયાસ કરેલો. જો કે, બેઉ જણ ત્યાંથી બુલેટ પર નાસી ગયાં હતાં.
વડોદરાથી ઝડપાયેલી મુસ્કાન અને તેના પતિ મામદ પાસેથી પોલીસે ૩.૪૦ લાખ રોકડાં અને ગુનામાં વપરાયેલી મામદની બલેનો કાર કબ્જે કર્યાં છે.
બેઉ જણે કબૂલ્યું છે કે ષડયંત્ર ઘડી તેને અમલમાં મૂકનાર સૂત્રધાર કોંગી નગરસેવક અબ્દુલ્લ હમીદ સમાએ તેમને ફક્ત ચાર લાખ રૂપિયા જ આપ્યાં હતાં. બાકીની બધાં રૂપિયા તેણે પોતાની પાસે રાખ્યાં હતાં. પીઆઈ સંદિપસિંહ ચુડાસમા અને તેમની ટીમે બે દિવસની અંદર ત્રણે આરોપીઓને ઝડપ્યાં છે.
Share it on
|