કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના મેઘપર ગામે ઘરે રહેલી એકલી ગૃહિણીને ધાર્મિક વિધિના બહાને ભોળવીને અજાણી મહિલા તાંત્રિક ૧.૪૧ લાખના સોનાના ઘરેણાં લઈને છૂમંતર થઈ ગઈ છે. પોતે દસ દિવસમાં ઘરેણાં ભરેલી પોટલી પાછી આપી જશે તેવું આશ્વાસન પોકળ નીકળતાં ગૃહિણીએ મહિલા સામે માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ૩૭ વર્ષના હસ્મિતાબેન યોગેશભાઈ ભંડેરી ૨૦ માર્ચે ઘરે હાજર હતા ત્યારે સવારે ૧૧ વાગ્યાના અરસામાં ૫૦ વર્ષની અજાણી મહિલા તેમના ઘરના આંગણે આવેલી.
આ મહિલાએ હસ્મિતાબેનના સંતાનો અને પતિના દુઃખ દર્દ દૂર કરી દેવાની વાતોમાં ભોળવી ‘હું ડોણ ગામની આઈ મા તારું દુઃખ લેવા આવી છું’ કહીને તાંત્રિક વિધિ કરવાના બહાને કાળા તલ, ઝાડના લીલા પાન અને સીવવાનો દોરો માંગી, તેની સાત ગાંઠ મારીને ફરિયાદીને મુઠ્ઠીમાં આપી હતી.
મહિલાએ વાળેલી મુઠ્ઠીમાં ચમત્કારિક રીતે આ સાત ગાંઠ છૂટી ગઈ હતી. બાદમાં ફરિયાદી પાસે અઢી તોલા સોનાના દાગીના તથા સવા કિલો ઘી અને કાપડ પેટે ૯૦૦ રુપિયા માંગીને રૂમાલમાં તેની પોટલી વાળી સ્મશાનમાં મૂકી આવવા અને થોડાંક દિવસ બાદ તેમાંથી સોનુ પાછું લઈ આવવા જણાવેલું.
ફરિયાદીએ પોતે સ્મશાને જઈ આવી વિધિ કરવાનો ઈન્કાર કરતાં અજાણી મહિલા પોતે આ વિધિ કરીને દસેક દિવસમાં દાગીના પરત આપી જશે તેમ કહી પોટલી લઈને જતી રહેલી.
દસ દિવસ વીત્યાં બાદ મહિલા પરત ના આવતાં વિધિ કરવાના બહાને મહિલા પોતાના મંગળસૂત્ર અને સોનાના પાટલા મળી ૧.૪૧ લાખના ઘરેણાં લઈ જઈને છેતરપિંડી કરી ગઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
Share it on
|