કચ્છખબરડૉટકોમ, ભુજઃ બે દાયકા બાદ ત્રણ માસ પૂરતી પ્રાયોગિક ધોરણે શરૂ થયેલી ભુજ રાજકોટ ટ્રેનને જામનગર સુધી લંબાવવા રજૂઆત થઈ છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી ડૉ દિનેશ પરમારે રેલવેના મુખ્ય વિભાગીય નિયામક સમક્ષ રજૂઆત કરી છે. પરમારે જણાવ્યું કે ટ્રેનને જામનગર સુધી લંબાવવાના કારણે વધુ પ્રવાસીઓ સાથે વેપારીઓને પણ ઉત્તમ સવલતો મળી શકશે. આ વિસ્તરણ કચ્છ અને સૌરાષ્ટ્રના વધુ વિસ્તારોને સીધા જોડીને પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવશે. ઉલ્લેખનીય છે કે ગત ૨૧ માર્ચ શુક્રવારથી ભુજ રાજકોટ વચ્ચે દૈનિક ટ્રેન સેવાનો પ્રારંભ થયો છે. અંજાર અને આદિપુરને પણ સ્ટોપેજમાં સમાવી લેવાયાં છે. ખાસ કરીને, અન્ય ખાનગી વાહનોના ભાડાંની તુલનાએ ટ્રેનનું ભાડું એકદમ કિફાયતી છે. સૂત્રોના દાવા મુજબ જો આ ટ્રેનને સારો પ્રતિસાદ મળશે તો રેલવે આ સેવાને કાયમી ધોરણે ચાલું રાખવા અંગે પણ વિચારશે.
Share it on
|