કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરા તાલુકાના મોટી તુંબડી ગામે ખેતરમાં ગાંજાનું વાવેતર કરનારા ૬૫ વર્ષિય વૃધ્ધને ભુજની સ્પે. NDPS કૉર્ટે દોષી ઠેરવી આઠ વર્ષની સખ્ત કેદ સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પશ્ચિમ કચ્છ એસઓજીએ ત્રણ વર્ષ પૂર્વે ૨૮-૦૪-૨૦૨૨ના રોજ વાડીમાં દરોડો પાડીને જૂવારની ઓથે વવાયેલાં ગાંજાના ૪૯૪ છોડ અને વાડીની ઓરડીમાં સૂકવવા રાખેલા સાડા ૭ કિલો ગાંજા સાથે કુલ ૫.૮૧ લાખના મૂલ્યનો ૫૮ કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. હેડ કોન્સ્ટેબલ મદનસિંહ લાલુભા જાડેજાની બાતમીના આધારે તત્કાલિન એસઓજી પીઆઈ એમ.આર. બારોટે સફળ દરોડો પાડીને ગાંજો ઉગાડનાર નીરુભા ઊર્ફે નિર્મલસિંહ ઊર્ફે ભૂપેન્દ્રસિંહ ધીરુભા જાડેજાની ધરપકડ કરી હતી. આ કેસમાં આજે ભુજની વિશેષ કૉર્ટના જજ વિશાલ શાહે સરકાર તરફે રજૂ થયેલાં ૨૫ દસ્તાવેજી પૂરાવા અને ૧૨ સાક્ષીઓની જુબાનીને અનુલક્ષીને આરોપી નીરુભાને દોષી ઠેરવી કડક સજા ફટકારી છે. કૉર્ટે NDPS Actની કલમ ૮ (c), ૨૦ (b) હેઠળ ૮ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજાર દંડ તથા કલમ ૨૦ (a) હેઠળ ૮ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે એપીપી સુરેશ મહેશ્વરીએ દલીલો કરી હતી.
Share it on
|