કચ્છખબરડૉટકોમ, ભુજઃ લગ્નના માંડ પાંચ મહિનાની અંદર દહેજની માંગણી કરીને સાસુ સસરાએ પૂત્રવધૂને બળજબરીથી ફિનાઈલ પીવડાવ્યું હોવાની અને પતિએ ફરી ઘરે નહીં આવવાનું કહીને મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ ભુજ એ ડિવિઝનના ચોપડે નોંધાયો છે. ભુજના ખારી નદી રોડ પર જલારામનગરમાં પિયરે રહેતી ૨૪ વર્ષિય જ્હાન્વી મેરુભાઈ ચૌહાણે પોલીસને જણાવ્યું કે ૨૨-૧૧-૨૦૨૪ના રોજ તેના લગ્ન નવી રાવલવાડીના રઘુવંશીનગરમાં રહેતાં કુલદીપ સુરેશભાઈ સોલંકી સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડાંક દિવસો બાદ પતિએ ‘તું મને ગમતી નથી’ કહીને ત્રાસ આપવાનું શરૂ કરેલું. સાસુ સસરા તેની પાસે અવારનવાર દહેજની માંગણી કરતાં હતાં.
સાસરિયાની માંગણીને વશ થઈને જ્હાન્વીએ બીજી એપ્રિલના રોજ પિતા પાસેથી એંસી હજાર લઈ આવીને પતિને આપ્યાં હતાં.
છતાં બે દિવસ બાદ ચોથી એપ્રિલના રોજ સાસુ નીતાબેન અને સસરા સુરેશભાઈએ ‘તું તારા બાપના ઘરેથી દહેજમાં કંઈ નથી લાવી, બે લાખ રૂપિયા લઈ આવ’ કહીને બોલાચાલી કરી તેને પરાણે ફિનાઈલ પીવડાવી દીધેલું. ફિનાઈલ પીવાથી જ્હાન્વી બેહોશ થઈ ગયેલી અને ૨૪ કલાકે ભાનમાં આવેલી. જ્હાન્વીએ પોતાના મરણોન્મુખ નિવેદનમાં પતિ, સાસુ, સસરાના ત્રાસ અંગે બયાન આપેલું.
પોતાની સામે ફરિયાદ દાખલ થશે તેવી બીકમાં સાસરિયાએ તેને સમજાવી મનાવીને ફરી આવું કદી નહીં થાય તેમ કહી સમાધાન કરી નોટરી પાસે લખાણ લખાવી દેવડાવ્યું હતું.
ઘટના બાદ જ્હાન્વી પિયરે જતી રહેલી. બે ત્રણ દિવસ બાદ પતિ કુલદીપ તેને મહિલા આશ્રમ બાજુ ભાડાનું મકાન જોવાના બહાને લઈ ગયેલો અને ‘હવે તું મારા ઘરે ના આવતી નહીંતર તને જાનથી મારી નાખશું’ તેવી ધમકી આપીને માવતરે ઉતારી જતો રહેલો. બનાવ અંગે પોલીસે સાસુ, સસરા અને પતિ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રેમલગ્નના બે વર્ષ બાદ સાળાએ બનેવીને છરી મારી
બહેને પરિવારની નામરજી વિરુધ્ધ પ્રેમલગ્ન કર્યાના બે વર્ષ બાદ પણ તેનો ખાર રાખીને સાળાએ અડધી રાતે સાગરીત જોડે બનેવીના ઘેર જઈને છરી ઝીંકી દીધી હોવાનો બનાવ માધાપર પોલીસ મથકે નોંધાયો છે. ભુજ તાલુકાના ઝુરા ગામે રહેતા વિનોદ ભીમજી મહેશ્વરીએ પોલીસને જણાવ્યું કે બે વર્ષ અગાઉ તેણે માનકૂવાની ભાવના વાલજીભાઈ મહેશ્વરી સાથે પ્રેમલગ્ન કરેલાં. બાદમાં સામાજીક રાહે લગ્ન કરેલાં.
ભાવનાના ભાઈ કિશોરને શરૂઆતથી આ પ્રેમલગ્ન સામે નારાજગી હતી.
મંગળવારે રાત્રે વિનોદ ઘરે હતો ત્યારે આઠ વાગ્યાના અરસામાં કિશોરે તેને ફોન કરીને ‘અમને પૂછ્યાં વગર તે મારી બહેન જોડે કેમ પ્રેમલગ્ન કર્યાં?’ કહીને ગાળાગાળી કરી હતી. મધરાત્રે એક વાગ્યે કિશોર તેના સાગરીત કાર્તિક જયેશભાઈ સુંઢા સાથે બનેવીના ઘેર આવેલો. બેઉ જણે બબાલ કરેલી અને કિશોર વિનોદના પેટમાં જમણી બાજુ છરી ભોંકી નાસી ગયો હતો.
ઘરજમાઈએ નજીવી વાતે પત્નીને પેટમાં છરી ભોંકી
ભુજ નજીક આવેલા કોડકી ગામે બે વરસથી ઘરજમાઈ બનીને પત્ની સંતાનો સાથે સાસરે પડી રહેલાં પતિએ કપડાં ધોવાની નજીવી બાબતે પત્નીને મારકૂટ કરી છરી ભોંકી દીધી છે. કોડકી રહેતા ઝીન્નતબાઈ જીવણ સમાએ પોલીસને જણાવ્યું કે તેમની દીકરી હકીમાબાઈના ૧૧ વર્ષ પૂર્વે નોખાણિયાના ઈસ્માઈલ જુસબ જત સાથે લગ્ન થયેલાં. બેઉને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. છેલ્લાં બે વર્ષથી ઈસ્માઈલ દીકરી-દોહિતરા સાથે ઘરજમાઈ બનીને સાસરે રહે છે. બુધવારે હકીમા કપડાં ધોતી હતી ત્યારે બહારથી આવેલા ઈસ્માઈલે ‘તેં મારા કપડાં કેમ ધોયાં નથી?’ કહીને પત્નીને મારકૂટ કરવા માંડ્યો હતો. ઉશ્કેરાઈને તેણે છરી કાઢી પત્ની હકીમાના પેટમાં ભોંકી દીધી હતી. હકીમા ગંભીર હાલતમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર તળે છે. માનકૂવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પારકાં ઝઘડામાં વચ્ચે પડેલાં યુવકને છરી ઝીંકાઈ
કોડકીમાં બપોરે પતિએ પત્નીને છરી ભોંકી તે બનાવની રાત્રે અન્ય એક બનાવમાં માધાપરના યુવકને પારકાં ઝઘડામાં વચ્ચે પડવા જતાં છરીથી ઘાયલ થવાનો વારો આવ્યો હતો. માધાપરમાં રહેતો કાનજી કોલી તેના પુત્ર સંજય સાથે ગઈકાલે ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા કોડકી ગયેલો. રાત્રે જમણવાર પૂરો થયાં બાદ સૌ બેઠાં હતાં ત્યારે કાનજીની ભાભી નર્મદાના ભાઈ મુકેશ જોડે ધનજી ભલુ કોલી, રવજી ઊર્ફે લાલો ભલુ કોલીએ મજૂરીના બાકી પૈસા મુદ્દે ઝઘડો શરૂ કરેલો. કાનજીનો પુત્ર સંજય તેમને છોડાવવા વચ્ચે પડતાં રવજીના પુત્ર કિશોરે પાછળથી આવી સંજયને સાથળમાં છરી ભોંકી દીધી હતી. માનકૂવા પોલીસે ત્રણે વિરુધ્ધ ગુનો નોંધ્યો છે.
Share it on
|