કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના ૩૧ વર્ષિય યુવક અંશુલ ધીરજભાઈ ગોહિલનો મુંદરાના ગજોડ પાસેથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતાં પ્રાગપર પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી છે.
Video :
અંશુલની લાશ નજીક એક્ટિવા પાર્ક થયેલું છે, લાશ પાસેથી છરી મળી આવી છે. બનાવ અંગે પ્રાગપર પીઆઈ ડી.ડી. શિમ્પીએ જણાવ્યું કે ‘પ્રાથમિક તબક્કે બનાવ હત્યાનો જણાય છે, અમે તે મુદ્દે કાર્યવાહી હાથ ધરી છે’
અંશુલના મૃત્યુ બાદ તેેણે ઈન્સ્ટાગ્રામ પર મૃત્યુ પૂર્વે મરણોત્તર કેફિયત રજૂ કરીને પોતાના પર કોણે કોણે કેવી રીતે અત્યાચાર ગુજાર્યો છે તે અંગે ગુજરાતીમાં ટાઈપ કરેલું ૫૫ પાનાંનું બયાન પોસ્ટ કરીને ૪૨ જેટલાં લોકોએ પોતાના પર વિવિધ રીતે અત્યાચાર ગુજાર્યો હોવાનું જણાવી તમામની નામાવલિ પોસ્ટ કરી છે.
પત્રનું લખાણ સ્યુસાઈડ નોટ હોય તે પ્રકારનું જણાય છે. જેથી ખરેખર કોઈએ અંશુલની હત્યા કરી છે કે પછી તેણે આપઘાત કર્યો છે તે મુદ્દે પોલીસે ગહન તપાસ હાથ ધરી છે.
♦અંશુલે નાનપણથી જ પિતાએ પોતાને કદી પ્રેમ ના આપ્યો હોવાનું અને પોતાને માનસિક રોગીમાં ખપાવી સતત કાવતરું ઘડીને પોતાને સામાજિક, શારીરિક, માનસિક રીતે હેરાન પરેશાન કર્યો હોવાનું પત્રમાં જણાવ્યું છે. પિતાના આ કરતૂતમાં બહેન, બહેન, ફોઈ અને તેમના દીકરા દીકરીઓ તથા પિતાના મિત્રો, મિત્રોના સંબંધીઓ વગેરેએ જુદાં જુદાં સમયે જુદી જુદી રીતે સહકાર આપ્યો હોવાનું સવિસ્તર વર્ણન કર્યું છે.
આ યાદીમાં હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ અને તેમના દિવંગત પિતા, ભાઈ, ભત્રીજા વગેરે સહિત એક નિવૃત્ત પોલીસ કર્મચારી, એક હોમગાર્ડ જવાન, ભુજના એક વકીલ, અડોશ-પડોશ સહિતના લોકોના નામ લખેલાં છે. જેના લીધે ભારે ચકચાર મચી ગઈ છે.
♦મૃતક ભુજની લાભ શુભ સોસાયટીમાં રહેતો હતો. ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી રીલમાં ‘હું મારો સંદેશ આખા વિશ્વને આપવા ઈચ્છું છું’ તેવું ઈંગ્લિશમાં બોલતાં શરૂઆત કરતાં કહે છે કે ૧૧ વર્ષ કરતાં વધુ સમયથી હું માનસિક, શારીરિક, સામાજિક સતામણી ભોગવી રહ્યો છું. શા માટે મારી જોડે આમ થાય છે તે મને ખબર નથી. ગેરકાયદે પ્રવૃત્તિ ખાસ કરીને માનસિક ત્રાસ સામે લડવું મુશ્કેલ છે કારણ કે કૉર્ટમાં પણ તે પૂરવાર કરવું અશક્ય છે. ગુજરાત ભારતમાં તમામ કાયદા અને નિયમો નિર્દોષ માણસોની વિરુધ્ધ છે, અહીં તમે ગુનો આચરો તો એકદમ સુરક્ષિત છો અને જો નિર્દોષ છો, સાચાં છો, કદી ગેરકાયદે કામ ના કર્યું હોય તો તમે તમે ગુનેગાર છો’ પોતે ગુજરાતીમાં પોતાનું બયાન પોસ્ટ કરે છે તેમ કહીને તેણે જે ૫૫ પાનાંનું બયાન પોસ્ટ કર્યું છે તેમાં પોતાના બાળપણથી લઈ અત્યારસુધીની જીવનયાત્રા, માતા પિતા અને સગાં સંબંધીઓ સાથે થયેલાં સારાં નરસાં કડવા અનુભવોનું વર્ણન કર્યું છે.
♦અંશુલના પત્રોનો સારાંશ જોતાં જણાય છે કે બહેનની તુલનાએ પિતાએ તેને કદી પૂરતો પ્રેમ આપ્યો નહોતો. બહેનને એમ.એ. બી.એડ. સુધી ભણાવી પરંતુ પોતાને એમ.એમ. ના કરે તે પિતાએ અનેક રીતે કાવતરાં રચ્યાં. પિતાએ પોતાને માનસિક રોગ હોવાનું જાહેર કરેલું. પોતાના માનસિક રોગની સારવાર માટે પિતા તેમના મિત્રો અને પરિચિતોના કહેવાથી સતત નવા નવા ભૂવા અને તાંત્રિકો પાસે લઈ જઈને મેલી વિદ્યા અને ટૂચકા કરાવતાં રહ્યાં. ડૉક્ટરો પિતાને કહેતાં કે તમારા પુત્રને કોઈ માનસિક બીમારી નથી, તેને પ્રેમ અને માનસિક આઝાદી આપો પરંતુ પિતા કદી તેમની વાત માન્યાં નહોતાં. પોતાની જીવન યાત્રાના મહત્વના મહિના અને તારીખો સાથે તે દિવસે પિતા અને તેમના મિત્રો-પરિચિતોએ પોતાના પર આચરેલાં અત્યાચાર, કાવતરાંનું વર્ણન કર્યું છે.
♦પોતે કોઈ છોકરીને ફોન કરીને પરેશાન કરતો હોવાનું ખોટું આળ નાખીને ક્લાસીસમાં ચાળીસ જણની હાજરીમાં પોતાને મહિલા પોલીસ સ્ટેશને લઈ જઈ મારકૂટ કરાઈ હોવાનું તેણે જણાવ્યું છે.
♦પિતાની હાર્ટની બીમારી વખતે અમદાવાદમાં સારવાર વખતે પિતાને જાણ કરી તેમની સંમતિથી તેમના બેન્ક ખાતામાંથી એક લાખ રૂપિયા કઢાવીને વાપર્યાં હોવા છતાં પિતાએ પોતાના પર બેન્કમાંથી પાંચ લાખી કાઢી લીધાં હોવાનું ખોટું આળ નાખ્યું હોવાનું અંશુલે જણાવ્યું છે.
ઘર અને પડોશમાં બધા આગળ પોતે માનસિક રોગી હોવાનું જાહેર કરીને પિતા નવા નવા ખેલ કરીને પોતાની જોડે મારકૂટ કરી શારીરિક માનસિક ત્રાસ આપતાં રહ્યાં હોવાનું જણાવ્યું છે.
♦અંશુલે પત્રમાં લખ્યું છે કે ‘બાપ મને કઠપૂતળીની જેમ નચાવતો અને પોતાનું મનોરંજન કરતો. હું કાયમ પિતાનો પ્રેમ ઈચ્છતો’ હાર્ટના ઓપરેશન બાદ પિતાને ઘરે લવાયાં ત્યારે પિતાએ ખોટું તરકટ રચીને સોસાયટીમાં હોબાળો મચાવીને અંશુલે તેને માર માર્યો હોવાનું જૂઠ્ઠાણું ચલાવીને પોતાને વધુ એકવાર બદનામ કરેલો. પિતાના તરકટથી માતા વાકેફ હોવા છતાં તે પોતાના બચાવ અને સ્વાર્થ માટે કદી સાચું ના બોલતી અને પિતાને સાથ આપતી.
♦પોતે બાઈક પરથી પડી જતાં પગમાં ઈજા થયેલી, એકવાર પિતાએ સાણસીથી માર મારતાં હાથની આંગળીમાં ફ્રેક્ચર થયેલું, કાનના રોગ અને પથરી થતાં સીટી સ્કેન વગેરે કરાવેલાં તે ઘટનાઓનો ઉલ્લેખ કરીને અંશુલે પીડા વર્ણવતાં પિતાએ પોતાની સારવાર કરાવવા કોઈ રસ ના દાખવ્યો હોવાનું, ઓપરેશન જરૂરી હોવા છતાં સારવાર ના કરાવતાં પોતે બાઈક વેચીને જાતે રૂપિયા ખર્ચી ઓપરેશન કરાવવું પડ્યું હોવાનું સવિસ્તર લખ્યું છે. યોગ્ય સારવારના અભાવે હાથ અને પગમાં ખોટ રહી ગઈ હોવાનું અને હજુ પણ ઓપરેશનની જરૂર હોવાનું લખેલું છે.
♦પિતાના પરિચિત પૃથ્વી કાનજી બારોટે પિતાની નજર સામે એકવાર જાહેરમાં રોડ પર બેલ્ટથી માર માર્યો હોવાની ઘટના વર્ણવેલી છે. પૃથ્વીએ પોતે ડ્રગ્ઝ, દારૂ, સિગારેટની લતે ચઢી ગયો હોવાનું આળ નાખીને ખોટાં કેસમાં જેલમાં નખાવી દેવાની ધમકી આપેલી. પૃથ્વી ગામમાં પોતે પિતાને માર મારતો હોવાની અફવા ફેલાવતો.
આ બધા કરતૂતો અંગે અંશુલ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગયેલો પરંતુ પોલીસે ફરિયાદ નોંધી નહોતી. એસપી કચેરીએ પણ ગયેલો. છેવટે પોલીસ પોતાની ફરિયાદ નહીં જ નોંધે તેવું માનીને હતાશ થઈ ફરિયાદ નોંધાવવાનું જ ટાળી દીધેલું.
♦અંશુલ લખે છે કે ‘અનાથ હોત તો કેવું સરસ હોત. ખૂનના સંબંધ એમાં ખાસ સગો બાપ ક્યારેય સાથ નથી આપતો. એ તો ઠીક પણ મુસીબતમાં જોઈને એ મુસીબતમાં વધારો તો ના કરે. ખરેખર, ખૂનના સંબંધ ના હોત મારી પાસે તો આ પારકાં સારાં, જે કંઈપણ કરી છૂટે મારા માટે’ સપ્ટેમ્બર ૨૦૨૩માં પોતાની બર્થ ડેના દિવસે પિતાએ કરેલાં ખેલ વિશે તેણે ઘણું લખ્યું છે.
♦અંશુલે પોતે પિતાના કહેવાથી મને કમને કે.ડી. મોટર્સ અને બે ખાનગી બેન્કમાં નોકરી કરેલી. કે.ડી. મોટર્સમાં પોતાને એક માસના પગારની ટોપી મળેલી. છતાં નારણ બારોટ, મનીષ બારોટ વગેરેના લીધે ઉલટાનું પોતે મેનેજરને ગાળો ભાંડી હોઈ પગાર વગર કાઢી મૂકાયો હોવાનું આળ મૂકાયેલું તેવું લખાયેલું છે. મનીષ બારોટના સગા સંબંધીઓ મનીષના નામે તેને ડરાવતાં ધમકાવતાં હોવાનું પણ અંશુલે પત્રમાં લખેલું છે.
♦પત્રના અંતમાં લખતાં અંશુલ જણાવે છે કે ‘હાલમાં મારી માનસિક, શારીરિક, સામાજિક હાલત બધી રીતે સાવ ખરાબ છે. ઘરમાં મને એકલાને કોઈ વસ્તુની માફક રાખી દીધો છે. જેલ કરતાં પણ ખરાબ હાલત થાય છે. તેમના દ્વારા ચોવીસે કલાક થતાં કાંડથી ખાવા, પીવા, સૂવા, ન્હાવાની કંઈ સૂઝ પડતી નથી. એક પાગલ કે એક કેદી કરતાં પણ ખરાબ હાલત છે અને તેમાં દિવસે ને દિવસે આ લોકો વધારો કરે છે. કોની પાસે મદદ માંગવી? આ કળિયુગમાં આપણે જ આપણાં અર્જુન અને ક્રિષ્ના એમ બંને બનવું પડે એમ છે. કોઈપણ સારથિ બનીને ક્રિષ્ના માફક આપણને સાથ દેવા નહીં આવે’
♦વિસ્તૃત બયાન વાંચતા જણાય છે અંશુલ તેના પિતાને ખૂબ પ્રેમ કરતો, પણ પિતા કાયમ તેની વિરુધ્ધ કાવતરાં કરીને તેને સતત પીડા જ આપતાં તેવું તેનું માનવું હતું. કેટલાંક કૉલ રેકોર્ડીંગ અને અન્ય મહત્વના પૂરાવા પોતાના ફોન અને લેપટોપમાં હોવાનું જણાવતાં જે કાંઈ બને તેના માટે પોતાના પિતા કે માતા જવાબદાર ના હોવાનું અને પોતે તેમને માફ કરતો હોવાનું લખ્યું છે. બાદમાં અન્ય લોકોની નામાવલિ લખીને તેમના સામાજિક, શારીરિક, માનસિક ત્રાસ આપ્યો હોઈ તેમને જવાબદાર ઠેરવ્યાં છે.