કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ)નો અમલ કરવા ફેબ્રુઆરી માસમાં ગુજરાત સરકારે પાંચ સદસ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિના સદસ્યો રાજ્યના વિવિધ શહેરો જિલ્લાઓની મુલાકાત લઈ વિવિધ સમુદાય, રાજકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ, પ્રબુધ્ધ નાગરિકો સાથે ગોષ્ઠિ કરી તેમના મંતવ્યો જાણી રહ્યાં છે. સુપ્રીમ કૉર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જસ્ટીસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતિના એક સદસ્ય એવા નિવૃત્ત IAS અધિકારી સી.એલ. મીનાએ આજે ભુજમાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી.
મીનાએ યુસીસી અંગે વિગતવાર સમજણ આપતાં જણાવ્યું કે સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ કે સમાજના વિશેષ વર્ગને ટાર્ગેટ કરતી નથી ના તે કોઈ ધર્મ કે સંપ્રદાયના રીતિ-રિવાજને સ્પર્શ કરે છે.
સંહિતાના કારણે ધાર્મિક સ્વતંત્રતા, લગ્ન પધ્ધતિઓ અંગે ઉદ્ભવેલી વિવિધ ભ્રાંતિથી મીનાએ સહુને આશ્વસ્ત કર્યા હતાં. બેઠકમાં ઉપસ્થિત લોકોએ લગ્ન, છૂટાછેડાં, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાંકીય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં. બેઠકમાં ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવીના ધારાસભ્યો, કચ્છ જિલ્લા પંચાયત અને ભુજ નગરપાલિકા પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, કલેક્ટર, બંને જિલ્લાના એસપી સહિત વિવિધ વર્ગ અને વ્યવસાયના આગેવાનો જોડાયાં હતાં.
રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ પોર્ટલ https://uccgujarat.in પર પોતાના અભિપ્રાય રજૂ કરી શકે છે.
એ જ રીતે, સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો ૧૫ એપ્રિલ ૨૦૨૫ સુધી રજૂ કરી શકાશે.
બેઠકમાં બાદબાકીથી કચ્છ કોંગ્રેસ ભડકી
યુસીસીની બેઠકમાંથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનોની બાદબાકી કરી દેવાતાં કોંગ્રેસ ભડકી છે. કચ્છ કોંગ્રેસે જણાવ્યું કે એકબાજુ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે તે વચ્ચે મુસ્લિમ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહી શકે તેમ નથી. ત્યારે આ બેઠક યોજવાની શું અનિવાર્તા ઊભી થઈ? કોંગ્રેસ આ કાયદાનો સતત વિરોધ કરે છે.
UCCની બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનો અને હિન્દુ દલિત ધર્મગુરુઓની બાદબાકી શું સૂચવે છે?
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને કયા પ્રોટોકોલ મુજબ બોલાવ્યા? કોંગ્રેસી આગેવાન અને અખિલ ભારતીય મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના મેમ્બર એડવોકેટ અમીરઅલી લોઢિયાને શા માટે આમંત્રણ ના અપાયું? કોંગ્રેસે આ અણિયાળા સવાલો પૂછીને ફરી આ બેઠક યોજવા માગ કરીને કચ્છના કલેકટર આનંદ પટેલને તટસ્થતાથી વર્તન કરવા સલાહ આપતાં જણાવ્યું કે તો જ કચ્છનું હિત જળવાશે.
Share it on
|