કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજથી માંડવી જતા રોડ પર ગોડપર દહિસરા નજીક પૂરઝડપે જતાં મોટર સાયકલ અને બલેનો કાર સામસામા ટકરાતાં મોટર સાયકલચાલક યુવકનું ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું છે. બલેનો કાર પલટી જતાં તેમાં સવાર ચાર છોકરાઓ ઘાયલ થયાં છે. આજે બપોરે સાડા ત્રણના અરસામાં પ્રાઈડ રૉક રીસોર્ટ પાસે દુર્ઘટના ઘટી હતી. મરણ જનાર સિધિક સત્તાર માંજોઠી (૨૪, રહે. બાયઠ, માંડવી) હોન્ડા બાઈક પર તેના ગામથી ભુજ તરફ આવી રહ્યો હતો ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી બલેનો કાર સાથે ટકરાયો હતો. દુર્ઘટનામાં બાઈકના ફૂરચેફૂરચાં ઊડી ગયાં હતા અને સિધિક ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર હાલતમાં તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ થોડીક મિનિટોમાં તેણે દમ તોડી દીધો હતો.
એક્સિડેન્ટના લીધે બલેનો કાર પલટી ખાઈને રોડ સાઈડના ઝાડી ઝાંખરામાં પડી હતી.
કારમાં સવાર અબ્દુલ્લા ગફૂર મમણ, સુમામ રમજુ મોખા, હમજા અબ્દ્રેમાન મમણ અને અભુભખર અબ્દ્રેમાન મમણને ઈજાઓ થતાં તેમને સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલે ખસેડાયાં હતાં. ૧૬થી ૨૦ વર્ષની આયુના ચારે મિત્રો ભુજથી માંડવી તરફ જતાં હતાં. દુર્ઘટના અંગે માનકૂવા પોલીસે તપાસ હાથ ધરી છે. દરમિયાન, સુખપર ગામ નજીક રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે પાર્ક થયેલાં ટેમ્પોની એંગલ સાથે સમીર ઓસમાણ નોતિયાર નામના બાવીસ વર્ષના યુવકે ગત રાત્રે ગમે ત્યારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ માનકૂવા પોલીસના ચોપડે નોંધાયો છે. મરણ જનાર સમીર સુખપર જૂના વાસ ગામમાં રહેતો હતો.
Share it on
|