કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના જ્યુબિલી સર્કલ પર રાત્રે યુવક પર ખૂની હુમલો થયો તેના ત્રણ કલાક અગાઉ થોડેક દૂર જિલ્લા ઉદ્યોગ સર્કલ પર છકડામાં આવેલાં બે જણે લીલાં નાળિયેરની લારીવાળા પર છરીથી હુમલો કરીને ૩૦ હજાર રોકડાં રૂપિયાની લૂંટ કરી હતી. નજીકમાં આવેલી રામકૃષ્ણ કોલોનીમાં રહેતો ૨૪ વર્ષિય કિશનપુરી અરવિંદપુરી ગોસ્વામી નિત્યક્રમ મુજબ જિલ્લા ઉદ્યોગ સર્કલ સામે લારીમાં લીલાં નાળિયેર લઈને વેચવા આવ્યો હતો. નાળિયેરના વેપારીને અગાઉની રકમ ચૂકવવાની હોઈ પાકિટમાં ૨૫ હજાર લઈને આવ્યો હતો. પૈસા ભરેલું પાકિટ લારીના ગલ્લામાં રાખ્યું હતું. રાત્રે આઠ વાગ્યાના અરસામાં એક છકડો આવીને લારી પાસે ઊભો હતો. છકડા ડ્રાઈવરે તેની પાસે આવીને મલાઈવાળું નાળિયેર માંગ્યું હતું પરંતુ કિશને મલાઈવાળા નાળિયેર ના હોવાનું જણાવતાં પોતે માધાપરનો દિનેશ મહેશ્વરી હોવાનું કહી ‘તું મને ઓળખતો નથી’ કહી બબાલ શરૂ કરેલી.
છકડામાં બેસેલો ધીરજ નામનો તેનો સાગરીત પણ ત્યાં આવેલો અને બેઉ જણે મારકૂટ શરૂ કરેલી. અચાનક દિનેશ ભેઠમાંથી છરી કાઢીને કિશન પર વાર કરેલો પરંતુ કિશન સાઈડમાં હટી જતાં તેનો આબાદ બચાવ થયેલો.
દિનેશે તેના સાગરીતને ગલ્લામાં પડેલા રૂપિયા કાઢી લેવા જણાવતાં ધીરજે ગલ્લામાં પડેલું રૂપિયા ભરેલું પાકિટ અને આખા દિવસના વકરાના પાંચ હજાર રૂપિયા મળી ૩૦ હજાર રોકડાં રૂપિયા લઈ લીધાં હતાં. પાકિટમાં ફરિયાદીનું આધાર અને પાન કાર્ડ પણ હતાં.
લૂંટ આચરીને બેઉ જણ GJ-12 BU-7874 નંબરના છકડામાં બેસીને નાસી ગયાં હતાં. કિશને છકડાનો પીછો કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ હાથ લાગ્યા નહોતાં.
ભુજ બી ડિવિઝન પોલીસે રૉબરી વીથ અસૉલ્ટ સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દિનેશ મહેશ્વરીને ઉપાડી લીધો છે.
Share it on
|