કચ્છખબરડૉટકોમ, ભુજઃ કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવાઈ રહેલાં સૂચિત નવા વક્ફ એક્ટ સામે મુસ્લિમ સમાજમાં ભારે વિરોધ પ્રવર્તી રહ્યો છે. વિવિધ મુસ્લિમ આગેવાનો સંસ્થાઓ દ્વારા વક્ફ એક્ટની અનેક જોગવાઈઓ સામે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. સૂચિત કાયદાના વિરોધમાં આજે જુમ્માની નમાઝ પ્રસંગે દેશ સહિત કચ્છભરના મુસ્લિમ બિરાદરોએ શાંતિપૂર્ણ રીતે પ્રતીકાત્મક વિરોધ દર્શાવ્યો હતો.
ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડના આદેશના પગલે કચ્છના સુન્ની ઉલેમા ફાઉન્ડેશને આજે નમાઝ પઢવા આવનાર મુસ્લિમ બિરાદરોને બાવડા પર કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ રીતે સૂચિત વક્ફ એક્ટનો વિરોધ કરવા આહવાન કરાયું હતું.
અબડાસા, અંજાર, ગાંધીધામ સહિતની જિલ્લાની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી ધારણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં સર્વત્ર કોમી વિખવાદ અને કૌમી વૈમનસ્યનું ઝેર ફેલાવાઈ રહ્યું છે. શિક્ષણ, બેરોજગારી, કમ્મરતોડ મોંઘવારી, વિવિધ સ્વાયત્ત બંધારણીય સંસ્થાઓના ધીમે ધીમે થઈ રહેલાં પતન સહિતના પાયાના સળગતાં મુદ્દાઓના બદલે ત્રણસો વર્ષ અગાઉ દફન થઈ ગયેલાં મોગલ શાસક ઔરંગઝેબની કબર તોડીને બદલો લેવા હાકલા પડકારા થઈ રહ્યાં છે!
Share it on
|