click here to go to advertiser's link
Visitors :  
02-Apr-2025, Wednesday
Home -> Bhuj -> Bidada love marraige row Daughter and Lady Talati asks polic to protect them
Sunday, 30-Mar-2025 - Bhuj 14554 views
દીકરી ભાગી જતાં બિદડાના પરિવારે મંગવાણાની મહિલા તલાટીને એસિડ એટેકની આપી ધમકી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પરિવારની મરજી વિરુધ્ધ દીકરીએ ગામના યુવક જોડે પ્રેમલગ્ન કરી તેની સાથે ભાગી જતાં બિદડાનો સંઘાર પરિવાર ખૂન્નસે ભરાયો છે. આ પરિવારની મહિલાઓએ યુવકના પિતા પર સરાજાહેર ધોકાથી હુમલો કરી હત્યા કરી નાખી છે. એટલું જ નહીં આ પરિવારે મૃતક લધાભાઈની સગી ભાણી અને નખત્રાણાના મંગવાણા ગામની મહિલા તલાટીને પણ મારી નાખવાની ધમકી આપતાં તલાટીએ રક્ષણ આપવા પોલીસ સમક્ષ રજૂઆત કરી છે.

ત્રીજી તરફ, વેરની આગમાં સળગતાં સ્વજનોથી ફફડતી પ્રેમલગ્ન કરનાર દીકરીએ રેન્જ આઈજી, એસપી સહિતના પોલીસ અધિકારીઓને પત્ર પાઠવી પોતે હાલ મુંબઈ હોવાનું અને કચ્છ આવી રહી હોવાનું જણાવી રક્ષણ આપવા રજૂઆત કરી છે.

એસિડ એટેક કે એક્સિડેન્ટમાં મારી નાખવા તલાટીને ધમકી

મંગવાણા જૂથ ગ્રામ પંચાયતમાં મહિલા તલાટી તરીકે નોકરી કરતી અને ભુજમાં રહેતી ૩૬ વર્ષિય ભૂમિકા મધુસુદન છાટબારે DGP, IG, SP અને નખત્રાણાના પોલીસ ઈન્સપેક્ટરને સંબોધીને પોતાને રક્ષણ આપવા અરજી કરી છે. બિદડાના વીરમ બુધિયા સાકરીયા (સંઘાર)ની દીકરી હેત્વીએ પોતાના મામા લધાભાઈના પુત્ર રાજેશ જોડે પ્રેમલગ્ન કરીને ભાગી ગઈ હોઈ આ પ્રકરણમાં પોતે તેમને મદદ કરી હોવાનો વહેમ રાખીને વીરમ સાકરીયા અને ખુશાલ કાનજી ચંદ્રોગા (સંઘાર)એ એસિડથી એટેક કરી કે કરાવી કોઈપણ ભોગે પતાવી દેવાની ધમકી આપી હોવાની રજૂઆત કરી છે.

ભૂમિકાએ જણાવ્યું છે કે આ લોકોએ તેનું ખૂન કરવા ભાડૂતી મારાઓ રાખ્યાં છે.

આ મારાઓ સતત તેનો પીછો કરી રહ્યાં છે. આ લોકો વેર વાળવા વાહન ટકરાવી ખૂન કરીને બનાવને અકસ્માતમાં ખપાવી દે તેવી દહેશત વ્યક્ત કરી, પોતાને કાયદેસરની ફરજ નીભાવવા માટે પોલીસ રક્ષણ આપવા તથા ભવિષ્યમાં કંઈપણ થાય તો વીરમ અને ખુશાલને જ જવાબદાર ગણવા રજૂઆત કરી છે.

ખુશાલ VHPના હોદ્દાનો દુરુપયોગ કરતો હોવાનો આરોપ

ભૂમિકાએ વીરમ અને ખુશાલ ઝનૂની અને માથાભારે હોવાનું જણાવતાં અરજીમાં રજૂઆત કરી છે કે ખુશાલ વિશ્વ હિંદુ પરિષદના હોદ્દાનો દુરુપયોગ કરીને જ્યાં ત્યાં પોતાની વિરુધ્ધ દુષ્પ્રચાર કરીને બધાને ઉશ્કેરી રહ્યો છે. આ લોકોથી ફફડતી ભૂમિકા હાલ અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે.

પ્રેમલગ્ન કરનાર હેત્વીએ પણ કર્યા ગંભીર આરોપ

પોતાના સસરા લધાભાઈ પર હુમલાના પગલે ડરી ગયેલી પુત્રવધૂ હેત્વીએ પણ કચ્છના પોલીસ તંત્રને પોતાનું રક્ષણ કરવાની આજીજી કરતો પત્ર પાઠવ્યો છે. હેત્વીએ જણાવ્યું છે કે તેણે ચોથી જાન્યુઆરીના રોજ નખત્રાણાના દેશલપર ગુંતલી ગામના મહાદેવ મંદિરમાં રાજીખુશીથી રાજેશ લધાભાઈ સંઘાર જોડે લગ્ન કર્યાં હતાં.

માતા પિતા રાજેશને પોતાના પતિ તરીકે સ્વિકારવા તૈયાર ના હોઈ ૮ ફેબ્રુઆરીએ તે સ્વેચ્છાએ પહેરેલાં લુગડે પિયર છોડીને પતિ રાજેશ જોડે મુંબઈ રહેવા આવી ગઈ છે.

માતા પિતાએ આ અંગે કોડાય પોલીસ મથકે ગૂમનોંધ લખાવેલી તે અન્વયે પોતે ગણદેવી બોરીયાસ પોલીસ મથકે કોડાય પોલીસની હાજરીમાં સ્વેચ્છાએ રાજીખુશીથી રાજેશ સાથે લગ્ન કર્યાં હોવાનું અને રાજેશ સાથે જ રહેવા ઈચ્છતી હોવાનું નિવેદન લખાવતાં પોલીસે તેને રાજેશ સાથે જવા દીધી હતી. માતા પિતા સહિતના ૧૧ પરિવાજનોના નામજોગ આપેલી અરજીમાં હેત્વીએ તેઓ પોતાને અને પતિને મારી નાખવાની વખતોવખત ધમકીઓ આપવા સાથે સંબંધિત પોલીસ સ્ટેશન અને એસપી કચેરીમાં વારેવારે અરજીઓ આપી રહ્યાં છે.

સસરાએ લેખીત અરજી આપેલી છતાં પોલીસે કંઈ ના કર્યું

કોડાય પોલીસ આરોપીઓ સાથે ભળેલી હોવાનો ગંભીર આરોપ કરતાં હેત્વીએ અરજીમાં જણાવ્યું છે કે અગાઉ મારા સસરા લધાભાઈએ કોડાય પોલીસ મથકે લેખીત ફરિયાદ આપેલી પરંતુ પોલીસે સૂચક રીતે જ કોઈ પગલાં ના ભર્યાં અને આરોપીઓએ તેમના પર ખૂની હુમલો કર્યો. પોલીસ આરોપીઓ સાથે ભળી ગયેલી હોવાનું, તેમને છાવરી રહી હોવાનો આરોપ કરીને હેત્વીએ પોતે હાલ મુંબઈથી ભુજ આવી રહી હોવાનું જણાવીને, તેઓ કોઈપણ ભોગે પોતાના અને પતિ પર ખૂની હુમલો કરશે તેવી દહેશત દર્શાવી પોલીસ રક્ષણ આપવા રજૂઆત કરી છે.

...નહીં તો SP કચેરીએ આત્મવિલોપનની ફરજ પડશે

આરોપીઓ ખૂબ ઝનૂની છે, રાજકીય વગવાળા છે, આરએસએસમાં હોદ્દાઓ ધરાવે છે અને સંઘનો ગેરકાનૂની રીતે દુરુપયોગ કરીને પોલીસ પાસેથી ધાર્યું કામ કરાવતાં હોવાનો ગંભીર આરોપ કરીને હેત્વીએ જો પોલીસ પોતાનું અને સાસરીયા પક્ષનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય તો એસપી કચેરીએ આત્મવિલોપન કરવાની ફરજ પડશે તેમ જણાવી હેત્વીએ કંઈપણ થાય તો તેની જવાબદારી કોડાય પોલીસ અને એસપીની રહેશે તેમ અરજીમાં જણાવ્યું છે.

Share it on
   

Recent News  
શેરમાર્કેટમાં સટ્ટાની છૂટ, ઓનલાઈન ક્રિકેટસટ્ટા પર મનાઈઃ વેબસાઈટ બ્લોક કરાતી નથી!
 
ભુજના ગોડપર દહિસરા રોડ પર બલેનો અને બાઈક સામસામા ટકરાતાં એકનું મોત, ૪ ઘાયલ
 
ભુજના યુવકને ફસાવી ૨૨ લાખ પડાવી ફરાર થયેલી મુસ્કાન અને પતિ મામદ વડોદરાથી ઝડપાયાં