click here to go to advertiser's link
Visitors :  
15-Apr-2025, Tuesday
Home -> Bhuj -> Bhuj Sessions Judge fines Rs 1 to FSL officer over his stubborn attitude
Sunday, 13-Apr-2025 - Bhuj 5336 views
રૂબરૂના બદલે વીડિયો કોન્ફરન્સિંગથી જુબાની આપવાનો આગ્રહ FSL અધિકારીને ભારે પડ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ હત્યાના એક ગંભીર ગુનાના અંડર ટ્રાયલ પ્રિઝનર કેસની સુનાવણીમાં ફોરેન્સિક અધિકારીએ રૂબરૂ હાજર થવાના બદલે વીડિયો કોન્ફરન્સિંગથી જુબાની લેવાના આગ્રહ સાથે કરેલી અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. એટલું જ નહીં રાજપરાને એક રૂપિયાનો પ્રતીકાત્મક દંડ ફટકારી ૨૪-૦૪-૨૦૨૫ના રોજ રૂબરૂ હાજર રહેવા હુકમ કર્યો છે. ગુના કામે મદદનીશ સરકારી વકીલ ગુનાસ્થળનું નિરીક્ષણ કરનાર એફએસએલ ઑફિસર ડૉ. એચ.એમ. રાજપરાને સાક્ષી તરીકે તપાસવા ઈચ્છતાં હતાં.

રાજપરાએ સદેહે ઉપસ્થિત રહેવાના બદલે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે જુબાની લેવા હાઈકૉર્ટે નિયત કરેલાં માપદંડો મુજબ અરજી કરી હતી. સુનાવણી સમયે બચાવ પક્ષના વકીલોએ કૉર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ માટે પૂરતી સુવિધાઓ ના હોવાનું જણાવી રાજપરા રૂબરૂ જ હાજર રહે તેવી રજૂઆત કરી વી.સી.નો વિરોધ કર્યો હતો.

કૉર્ટમાં વી.સી. માટે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી!

છઠ્ઠા અધિક સેશન્સ જજ ડૉ. શિલ્પાબેન કાનાબારે પણ આ મામલે જણાવ્યું કે ભુજમાં ફક્ત પ્રીન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ અને ચોથા અધિક ડિસ્ટ્રીક્ટ જજ એમ બે જ કૉર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ કૉર્ટમાં પૂરતાં કેમેરા સાથે વી.સી. માટેનું પૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી તેમ જણાવતાં કહ્યું કે વી.સી. માટે વપરાતી ઝૂમ એપ્લિકેશનનું લાયસન્સ વર્ઝન પણ કૉર્ટ પાસે ઉપલબ્ધ નથી. ઝૂમનું ફ્રી સોફ્ટવેર વપરાય છે અને ૪૫ મિનિટની સમયમર્યાદા બાદ ૧૫ મિનિટનો બ્રેક લેવો પડે છે.

આટલી સુવિધા હોવી જરૂરી છે

હાઈકૉર્ટના નિર્દેશ મુજબ વી.સી. માટે કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ડિવાઈસ સાથે દસ એમબીપીએસની ઈન્ટરનેટ કનેક્ટીવીટી, અન ઈન્ટરપ્ટેડ પાવર સપ્લાય, કેમેરા, સ્પીકર, માઈક, ડિસ્પ્લે યુનિટ, ફાયરવૉલ, ડૉક્યુમેન્ટ વિઝ્યુઅલાઈઝર કેમેરા, પ્રાઈવસી માટે પૂરતી બેઠક વ્યવસ્થા, યોગ્ય પ્રકાશ વ્યવસ્થા, શાંત અને સલામત જગ્યા વગેરે જરૂરી છે.

જજ કાનાબારે નારાજગી દર્શાવતાં કહ્યું કે ૦૮-૦૮-૨૦૨૩ના રોજ મેં સ્વખર્ચે મારી કૉર્ટમાં સેપરેટ ઈન્ટરનેટ કનેક્શનની સુવિધા આપવા રજૂઆત કરેલી પરંતુ આજ દિન સુધી હાયર ઑથોરીટીએ તેનો કોઈ જવાબ આપ્યો નથી.

કૉર્ટમાં કોઈ ટેકનિકલ તકલીફ થાય તો તેને ઉકેલવામાં મદદ માટે કોઈ ટેકનિકલ માણસ પણ નથી. કંઈક અર્જન્ટ જરૂર સર્જાય ત્યારે સિનિયર સેશન્સ કૉર્ટમાં તેમની વ્યસ્તતાના લીધે તથા મોસ્ટ જૂનિયર સેશન્સ જજ હોઈ ટેકનિકલ મદદ માટે લાંબો સમય રાહ જોવી પડે છે.

રાજપરાનું વલણ જક્કી હોઈ પ્રતીક દંડ ફટકાર્યો

વીડિયો કોન્ફરન્સિંગથી જ જુબાની આપવાના રાજપરાના અભિગમને જક્કી વલણની ટીકા કરતાં જજે જણાવ્યું કે અગાઉ પણ આવા અનેક પ્રસંગે કૉર્ટે રાજપરાને વી.સી.ની અપૂરતી સુવિધા અંગે વાકેફ કરેલાં છે. મેં પોતે પણ વ્યક્તિગત રીતે તેમને આ મામલે જણાવેલું છે. એટલું જ નહીં, કૉર્ટમાં વી.સી. માટે પૂરતી સગવડ ના હોવા અંગે ૦૧-૦૧-૨૦૨૫ના રોજ એફએસએલ ડાયરેક્ટરને પણ કૉર્ટે પત્ર લખી જાણ કરેલી છે.

છતાં રાજપરા આ કૉર્ટમાં ચાલતાં લગભગ મોટાભાગના કેસમાં રૂબરૂ હાજર રહેવાના બદલે વી.સી. માટેનો દુરાગ્રહ રાખે છે. જેથી ટ્રાયલમાં વિલંબ થાય છે અને કૉર્ટનો મહામૂલો સમય વેડફાય છે.

આ બાબતની ગંભીરતાનો ખ્યાલ આવે તે હેતુથી કૉર્ટ તેમને એક રૂપિયાનો પ્રતીક દંડ ફટકારે છે. એફએસએલ અધિકારીઓને રૂબરૂ જુબાની આપવા માટે જરૂરી દિશાનિર્દેશ જારી કરવા કૉર્ટે ચુકાદાની નકલ એફએસએલ ડાયરેક્ટર, ગાંધીનગર અને ડાયરેક્ટર ઑફ પ્રોસિક્યુશનને મોકલી આપવા જણાવ્યું છે.

Share it on
   

Recent News  
કાતિલ ગરમીમાં હજારો બેકારોને ડામર રોડ પર દોડાવી પરીક્ષાનો તઘલઘી નિર્ણય મોકૂફ
 
ભુજના એ યુવાન વેપારીને મારી નાખવાના ઈરાદે બોલેરોની ટક્કર મરાયેલીઃ નવો ઘટસ્ફોટ
 
મુંદરાના રીઢા શકીલ સામે વ્યાજખોરીની વધુ એક FIR: ૫૫ હજારની વીજચોરી ઝડપાઈ