કચ્છખબરડૉટકોમ, ભુજઃ ધંધા માટે રૂપિયાની જરૂર પડી હોવાના બહાને PGVCLના રીટાયર્ડ પ્યૂનના ૧૫ લાખ રૂપિયા મેળવી, તે પાછાં આપવાનું નોટરી પાસે લખાણ કરી આપ્યાં બાદ ‘ફરી’ જઈ છેતરપિંડી કરનાર ભુજના આરોપીની આગોતરા જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ભુજના જ્યુબિલી સર્કલ પાસે આવેલા આઈયા એપાર્ટમેન્ટમાં રહેતા નરેશ શિવગણ પટેલ (૪૦) સામે ૧૫ માર્ચે દિનેશ હરીભાઈ સોલંકી (૬૯, રહે. વંડી ફળિયું, સૂરમંદિર સિનેમા પાછળ, ભુજ)એ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દિનેશભાઈનો ભત્રીજો મીત અજય સોલંકી અને નરેશ બેઉ મિત્રો હતા તથા બેઉ ધંધામાં ભાગીદાર હતાં. આ નાતે દિનેશભાઈ નરેશના પરિચયમાં આવેલાં. નિવૃત્ત થયા બાદ દિનેશભાઈને ૪૦ લાખ રૂપિયા મળ્યાં હોવાનું અને તે પૈકીના ૧૫ લાખ રૂપિયા તેમણે ભુજની દેના બેન્કમાં ફિક્સ ડીપોઝીટ કરાવ્યાં હોવાનું વાત વાતમાં જાણીને નરેશે પોતાને ધંધામાં નાણાંની જરૂર પડી હોવાનું કહીને દિનેશભાઈ પાસે ઉછીના ૧૫ લાખ રૂપિયા માગ્યા હતા અને શક્ય તેટલાં જલદી ચૂકવી આપવા ખાતરી આપેલી.
દિનેશભાઈએ એફડી તોડાવી નાણાં આપીને મદદ કરવા ખાતરી આપવા સાથે નાણાં આપ્યા અંગેનું લખાણ લખી આપવા આગ્રહ રાખેલો. નાણાં મેળવ્યાંના ત્રણ મહિના બાદ નરેશે ભુજના નોટરી પાસે દિનેશભાઈને ૨૪-૧૨-૨૦૨૪ સુધીમાં નાણાં પાછાં આપી દેવાની ખાતરી આપતો બાંહેધરી પત્ર લખી આપેલો.
એટલું જ નહીં, તેટલી રકમનો ચેક પણ લખી આપેલો. જો કે, ચાલાક નરેશે આ લખાણ અને ચેકની અસલ કોપી આપવાના બદલે દિનેશભાઈને ઝેરોક્સ કોપી આપેલી. ત્રણ માસ બાદ મીત અને નરેશ વચ્ચે માથાકૂટ થતા સંબંધો બગડી ગયેલાં.
દિનેશભાઈએ મુદ્દત વીત્યાં બાદ નાણાંની માંગણી કરતાં નરેશ ‘ફરી’ ગયો હતો અને ‘તમે કોણ? હું તમને ઓળખતો નથી. મેં તમારી પાસેથી કોઈ રૂપિયા લીધા નથી કે રૂપિયા પાછાં આપવાનું કોઈ લખાણ લખી આપ્યું નથી’ કહીને રૂપિયા પાછાં આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
આ ગુનામાં પોલીસ ધરપકડથી બચવા નરેશે કરેલી આગોતરા જામીન અરજી ભુજના પાંચમા અધિક સેશન્સ જજ વિશાલ શાહે રીજેક્ટ કરી દીધી છે.
Share it on
|