કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ શહેરના સંજોગનગર, કોડકી રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં આજે સાંજે પાંચ વાગ્યાથી લઈ આઠ વાગ્યા દરમિયાન પોલીસના મોટા કાફલાએ સઘન કોમ્બિંગ હાથ ધર્યું હતું. કોમ્બિંગ દરમિયાન ચકચારી સોપારી દાણચોરીકાંડના આરોપી અને તેને આશરો આપનાર શખ્સના વાડામાંથી પોલીસે ૧૨ નકલી સોનાના બિસ્કીટ, ૧૪ ઘાતક હથિયાર અને ૨૩ જેટલાં બિલ વગરના મોબાઈલ ફોન કબજે કર્યાં છે. ગુંડાતત્વો પર તૂટી પડવાના રાજ્ય પોલીસ વડાના આદેશના પગલે આજે સાંજે ભુજના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ભુજ એ અને બી ડિવિઝન પોલીસ, માધાપર પોલીસ, એસઓજી, પેરોલ ફર્લૉ સ્ક્વૉડ, જિલ્લા અને સીટી ટ્રાફિક બ્રાન્ચના કાફલાએ સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
કોમ્બિંગમાં હથિયારો, નકલી ગોલ્ડ બિસ્કીટ, મોબાઈલ મળ્યાં
એરપોર્ટ રોડ પર સેવન સ્કાય હોટલ સામે માલધારીનગરમાં આવેલા નુરમામદ ઈબ્રાહિમ અજડિયાના વાડામાં પોલીસે સર્ચ કરતાં ત્યાંથી નાનાં મોટાં સાત ધારિયા, ત્રણ લોખંડની પાઈપ, મોટર સાયકલના ચક્રમાંથી બનાવેલાં બે હથિયાર, એક-એક કુહાડી અને તલવાર સહિત કુલ ૧૪ હથિયાર મળી આવ્યાં હતાં.
સર્ચ દરમિયાન વાડામાંથી નકલી સોનાના નાનાં મોટાં ૧૨ બિસ્કીટ અને આધાર પૂરાવા વિનાના ચોરીના મનાતાં ૨૩ મોબાઈલ ફોન કબજે કર્યાં હતા.
નૂરમામદ સાથે રહેલા મોહિત પ્રદિપ માખીજા નામના અન્ય આરોપીને પોલીસે ઝડપ્યો હતો. આ એ જ મોહિત છે કે જેના નામની પેઢી ખોલીને ગાંધીધામના રીઢા દાણચોરોએ ઈન્ડસ્ટ્રીયલ સૉલ્ટના નામે કરોડો રૂપિયાની સોપારી મગાવી, દાણચોરી કરી ભારતમાં વેચી ખાધી હતી.
૨૦૨૩માં તત્કાલિન રેન્જ આઈજીના સાયબર સેલના સ્ટાફે સોપારી ભરેલાં ગોડાઉનમાં રેઈડ પાડવાના નામે પોણા ચાર કરોડનો તોડ કરતાં સમગ્ર મામલો બહાર આવેલો. જેમાં મૂળ નાગપુરના રહેવાસી એવા મોહિત માખીજાની ધરપકડ થયેલી.
નૂરમામદ સામે પણ અગાઉ મારામારીનો એક બનાવ દાખલ થયેલો છે. ઘટના અંગે ભુજ એ ડિવિઝન પોલીસ ઈન્સપેક્ટર હાર્દિક ત્રિવેદીએ બંને જણની અટક કરીને સઘન તપાસ હાથ ધરી છે. કોમ્બિંગ દરમિયાન પોલીસે ૪૨ મકાનોમાં સર્ચ કરેલું અને નંબર પ્લેટ વગરના ૭ વાહનો ડીટેઈન કરી ૨૧ હજાર રૂપિયાનો સ્થળ દંડ વસૂલ્યો હતો.
Share it on
|