કચ્છખબરડૉટકોમ, ભુજઃ સગીર વયની બાળાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપીને અપહરણ કરી વારંવાર દુષ્કર્મ આચરનાર નિરોણાના યુવકને ભુજની સ્પે. પોક્સો કૉર્ટે જીવનના અંતિમ શ્વાસ સુધીની સખ્ત કેદની સજા સાથે ૬ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૩૧-૦૮-૨૦૨૧ના રોજ ગઢશીશા પોલીસ મથકે નિરોણાના મોહન લખુભાઈ મહેશ્વરી (સીજુ) વિરુધ્ધ અપહરણ, વારંવાર દુષ્કર્મ આચરવું, પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધાયેલો. ૩૦ વર્ષનો મોહન ૧૬ વર્ષ ૧૧ માસની કિશોરીનું શેરડી ગામથી અપહરણ કરીને લઈ ગયેલો. મોહને કિશોરીને નખત્રાણાના કોટડા (જ), ભુજ, મેઘપર, ઝુરા જતવાંઢ, ઝકરીયા, જામનગર સહિત વિવિધ મિત્રોની વાડીએ રાખી હતી અને અસંખ્યવાર દુષ્કર્મ આચર્યું હતું.
પોતે કિશોરીને પ્રેમ કરતો હોવાનું જણાવીને તેને મોબાઈલ ફોન આપેલો. સુનાવણીમાં બહાર આવ્યું હતું કે મોહનના અગાઉ એકવાર લગ્ન થયેલાં અને પછી પત્નીથી છૂટાછેડાં લઈ લીધાં હતાં. સમગ્ર બાબત મોહને કિશોરીથી છૂપાવી હતી.
આ કેસમાં ફરિયાદ પક્ષે રજૂ થયેલાં ૩૧ દસ્તાવેજી પૂરાવા અને ૯ સાક્ષીઓની જુબાની તપાસીને આજે પોક્સો કૉર્ટના વિશેષ જજ વિરાટ બુધ્ધે મોહનને ઈપીકો કલમ ૩૭૬ (૨) (એન) અને પોક્સો એક્ટની કલમ ૬ હેઠળ અંતિમ શ્વાસ સુધી સખ્ત કેદની સજા સાથે ત્રણ ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.
કૉર્ટ ઈપીકો કલમ ૩૬૩ હેઠળ મોહનને ૩ વર્ષની સખ્ત કેદ સાથે ૧૦ હજારનો દંડ તથા ઈપીકો કલમ ૩૬૬ હેઠળ ૫ વર્ષની કેદ સાથે ૧૦ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.
દંડની રકમમાંથી ચાર લાખ રૂપિયા ગુનાનો ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી. ગુનાની તપાસ તત્કાલિન પીએસઆઈ વી.એચ. ઝાલાએ કરી હતી.
Share it on
|