કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સુખપર ગામની ગૃહિણીને વર્ક પરમિટ પર યુકે મોકલવાના બહાને ૧૯.૫૫ લાખ ખંખેરી લેનાર ભુજના યુગલ પૈકી કેતન મનહરલાલ સોલંકી (ઉ.વ. ૪૦)એ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ભુજમાં હોસ્પિટલ રોડ પર ‘શ્રીજી ઈમિગ્રેશન’ નામની દુકાન ખોલીને કેતન અને તેની પત્ની ડિમ્પલે સુખપરની આરતી અનિલભાઈ સોલંકી નામની પરિણીતા સાથે ચીટીંગ કર્યાની ૧૯ ફેબ્રુઆરીના રોજ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગુનો નોંધાયા બાદ કેતન સોલંકી (રહે. પ્રમુખસ્વામીનગર, ભુજ) વિદેશી ભાગી ગયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અગાઉ કેતનની પત્નીના આગોતરા નામંજૂર થયાં બાદ તેની ધરપકડ થયેલી અને કૉર્ટે તેને ૨૦ માર્ચે નિયમિત જામીન પર મુક્ત કરી હતી.
પત્નીની જામીન મુક્તિના આધાર સહિતના મુદ્દે કેતને પોતાને પણ આગોતરા જામીન પર છોડવા રજૂઆત કરેલી. જો કે, છઠ્ઠા અધિક સેશન્સ જજ શિલ્પાબેન કાનાબારે ગુનામાં આરોપીની ભૂમિકા, સક્રિય સંડોવણી જોતાં તથા પોલીસ તપાસ ચાલું છે ત્યારે આ તબક્કે જામીન આપી શકાય તેમ નથી કહી અરજી રીજેક્ટ કરી દીધી છે.
કૉર્ટમાં ફરિયાદ પક્ષના વકીલોએ હાલ ગેરકાયદે વિદેશ ગયેલાં અને ત્યાંથી ડીપોર્ટ થઈ રહેલાં ભારતીયોનો મુદ્દો ઉછાળી કેતન પણ કબૂતરબાજીમાં સામેલ છે કે કેમ તે સહિતના મુદ્દે પોલીસ ગુનાની તપાસ કરી રહી હોવાનું જણાવી આગોતરા ફગાવી દેવા રજૂઆત કરી હતી. કેસમાં સરકાર તરફે પી.વી. વાણિયા અને મૂળ ફરિયાદીના વકીલ તરીકે એડવોકેટ બી.એસ. ગોરડીયાએ દલીલો કરી હતી.
Share it on
|