કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગ્રામ પંચાયતનો દાખલો આપવાના બદલામાં બે હજાર રૂપિયાની લાંચ લેતા પકડાયેલી નખત્રાણાના દેશલપર (ગુંતલી)ની મહિલા તલાટી ચંદ્રિકાબેન D/o મગનલાલ ગરોડાએ કરેલી નિયમિત જામીન અરજી ભુજની વિશેષ એસીબી કૉર્ટે ફગાવી દીધી છે. ગત ૨૧ માર્ચના રોજ એસીબીએ પંચાયત કચેરીમાં છટકું ગોઠવીને આરોપીને લાંચ સ્વિકારતાં રંગેહાથ ઝડપી લીધી હતી. હોટેલ રેસ્ટોરન્ટ ઉદ્યોગ માટે એક અરજદારે ૫૨૫ ચોરસ મીટર સરકારી પડતર જમીન ફાળવવા મહેસુલ તંત્ર સમક્ષ માંગણી કરેલી. માંગણી અન્વયે આ જમીન ગૌચરની નથી તેવા અભિપ્રાયનો દાખલો અને પંચાયતનો ઠરાવ આપવાની અવેજમાં આરોપીએ વોટસએપ પર મેસેજ મોકલીને બે હજારની લાંચની માંગણી કરી હતી. ગુનામાં આરોપીની પ્રાથમિક સંડોવણી હોવાનું માનીને કૉર્ટે તપાસ હજુ ચાલું હોવાનું જણાવી જો જામીન પર છોડાય તો તપાસને અસર થઈ શકે છે તેમ કહી વિશેષ જજ શિલ્પાબેન કાનાબારે અરજી ફગાવી દીધી છે. ફરિયાદ પક્ષ વતી એસીબીના સ્પે. પીપી એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|