click here to go to advertiser's link
Visitors :  
18-Apr-2025, Friday
Home -> Bhuj -> Bhuj A Division PI transfered to HQ suddenly Read more here
Tuesday, 08-Apr-2025 - Bhuj 19627 views
ભુજ PIની અચાનક HQમાં બદલીઃ દોઢ કલાકમાં અમરેલી લેટરકાંડના વિવાદી PIને ચાર્જ!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાતભરમાં ચકચારી બનેલાં અમરેલીના લેટરકાંડ સમયે વિવાદમાં આવેલા અમરેલીના પૂર્વ LCB પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. પટેલની અચાનક ભુજ એ ડિવિઝનમાં પોલીસ મથકમાં નિમણૂક થઈ છે. રાજકારણીઓના આંતરિક વિખવાદોમાં નોકરિયાત નિર્દોષ એવી પાટીદાર સમાજની દીકરીનું સરાજાહેર સરઘસ કાઢીને તેની ગરિમાને તાર તાર કરાઈ હતી.

આ બનાવથી ગુજરાત ભાજપમાં પ્રવર્તતી આંતરિક ગંદકી અને બંધારણ કે કાયદાને સલામ કરવાના બદલે નેતાઓના પગના તળિયા ચાટી ખાતાં પોલીસ ખાતાંની વરવી ભૂમિકાનો પર્દાફાશ થયો હતો. આ વિવાદમાં ૨૫ ફેબ્રુઆરીના રોજ અમરેલી એલસીબી પીઆઈ તરીકે ફરજ બજાવતાં એ.એમ. પટેલ સહિત એલસીબીના સંખ્યાબંધ પોલીસ કર્મચારીઓ અને પીએસઆઈઓની ટ્રાન્સફર કરાઈ હતી. પટેલને પશ્ચિમ કચ્છમાં મૂકાયાં હતાં.

ફક્ત દોઢ કલાકમાં જ પીઆઈએ ચાર્જ સુપરત કર્યો

પશ્ચિમ કચ્છ એસપીએ પહેલી જાન્યુઆરીના રોજ ૧૭ પીઆઈ અને ૨૪ પીએસઆઈની જિલ્લામાં આંતરિક બદલી કરી હતી. જે અંતર્ગત મુંદરાના પ્રાગપર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિક સૂર્યકાન્ત ત્રિવેદીને ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં મૂકાયા હતા.

ગઈકાલે અચાનક સાડા પાંચના અરસામાં પીઆઈ ત્રિવેદીને પોલીસ કંટ્રોલ રૂમ મારફતે તેમને લીવ રીઝર્વ અંતર્ગત હેડ ક્વાર્ટરમાં મૂકી દેવાયા હોવાનો એસપીનો આદેશ મળ્યો હતો. દોઢેક કલાકમાં જ ત્રિવેદીએ તેમનો પોલીસ સ્ટેશનનો ચાર્જ છોડી દીધો હતો અને પટેલને ચાર્જ સુપરત કર્યો હતો.

અગાઉ પ્રાગપરમાં ફરજ સમયે એક આરોપીની ધરપકડના વિરોધમાં પોલીસ મથકે ઉમટી પડેલાં કહેવાતા ભક્તોને સાચું હિંદુત્વ શું છે તે મુદ્દે ઉપદેશ આપીને સરાજાહેર ઝાટકી ત્રિવેદી દેશભરના સમાચારમાં ઝળક્યાં હતાં.

ત્રણ માસના ટૂંકા ગાળામાં થયેલી બદલીથી તર્કવિતર્ક

ભુજમાં ત્રણ માસના ટૂંકા સમયગાળામાં જ અચાનક તેમની બદલી કરાઈને લેટરકાંડના વિવાદાસ્પદ પીઆઈને નીમાતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. કારણ કે, ત્રણ માસ દરમિયાન ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર કહી શકાય તેવા ફક્ત બે જ ગુના નોંધાયાં છે. જેમાં એક ગુનો આનંદો હોટેલ પાસે થયેલી ચીલઝડપનો હતો અને બીજો જ્યુબિલિ ગ્રાઉન્ડ નજીક યુવક પર થયેલા હત્યાના પ્રયાસનો હતો. કહેવાય છે કે જ્યુબિલિ ગ્રાઉન્ડના બનાવમાં આરોપીઓની ધરપકડ વખતે એક ખાસ બ્રાન્ચ અને એ ડિવિઝન વચ્ચે તણખાં ઝર્યાં હતાં.

સાંસદ-ધારાસભ્યો ચૂપ છે, DGP પર મંડાઈ મીટ

નંબર વગરની કારમાં દારૂ પીતાં બાટલી સાથે ઝડપાયેલાં લિસ્ટેડ બૂટલેગરને પોલીસ સ્ટેશને લવાયાં બાદ અગમ્ય કારણોસર મેમો આપીને જવા દેનારા નખત્રાણાના પીએસઆઈ સામે કશી જ કાર્યવાહી થઈ નથી. ઠેર ઠેર દારૂના હાટડા ચાલે છે, વીડિયો વાયરલ થાય છે, છાપાંઓમાં રોજ અલગ અલગ વિસ્તારોના દારૂના અડ્ડાના સમાચારો છપાય છે છતાં ‘ગુલાબી ચશ્મા’ પહેરીને બેઠેલી પોલીસ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી થતી ના હોવાનો ઘાટ સર્જાયો છે.

પશ્ચિમ કચ્છના ચૂંટાયેલા ધારાસભ્યો, સંસદ સભ્ય, પ્રભારી સચિવ અને પ્રભારી મંત્રી સહુ કોઈ જાણે નિર્લજ્જતાથી બધો ખેલ જોઈ રહ્યાં છે.

ત્યારે, ગુજરાતના પોલીસ વડા સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની બેહાલ થયેલી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી કડક એક્શન લે તે આવશ્યક છે.

Share it on
   

Recent News  
ભુજમાં દહેજભૂખ્યાં સાસરિયાએ લગ્નના પાંચ માસની અંદર વહુને ફિનાઈલ પીવડાવ્યું!
 
સમી નજીક રોંગસાઈડમાં દોડતી ST બસે રીક્ષામાં સવાર ૬ ભિક્ષુકોને મોતને ઘાટ ઉતાર્યાં
 
મુંદરા મોટી તુંબડીમાં ગાંજાનું વાવેતર કરનાર ૬૫ વર્ષિય વૃધ્ધને ૮ વર્ષની સખ્ત કેદ