કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપર પોલીસ મથકમાં મહેશ્વરી સમાજના બે જૂથ વચ્ચે ૨૦-૧૦-૨૦૨૪ની રાત્રે થયેલી બબાલ બાદ મહિલા સરપંચ સામે નોંધાયેલી FIR અન્વયે પોલીસ રાજકીય દબાણથી ધરપકડ ના કરતી હોવાના મુદ્દે આજે એક જૂથે ચક્કાજામ કરતાં દોડધામ મચી ગઈ છે.
Video :
ગત ઓક્ટોબર માસમાં માધાપર જૂના વાસ ગ્રામ પંચાયતની મહિલા સદસ્ય રીનાબેન જોશી અને તેના પતિ મયૂર જોશી સામે એટ્રોસીટી તળે ફરિયાદ નોંધાવવાના વિરોધ અને સમર્થનમાં સરપંચના પરિવાર અને સામેના જૂથ વચ્ચેના મતભેદમાં હિંસક અથડામણ થયેલી.
ફરિયાદ નોંધાવવા પહોંચેલા બેઉ જૂથના લોકો વચ્ચે પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ વચ્ચે ધોકા, પાઈપ, કુહાડી ઉછળેલાં. આ મામલે બેઉ જૂથે પાંચ અજાણ્યા શખ્સો સહિત ૧૩ લોકો વિરુધ્ધ સામસામી ફરિયાદો નોંધાવી હતી.
રીનાબેનના સમર્થનમાં સમાજ સંગઠનના પૂર્વ હોદ્દેદારો તથા સરપંચ ગંગાબેન નારાણ મહેશ્વરી અને તેમના પુત્ર નીતિન સહિતના પરિવારજનો, સમર્થકો અને વિરોધી જૂથ વચ્ચે મારકૂટ થયેલી. ઓક્ટોબરમાં ગુનો દાખલ થયાને પાંચ મહિના વીત્યાં બાદ પણ પોલીસે આજ દિન સુધી ગંગાબેનની અટક કે ધરપકડ ના કરતાં આજે રાત્રે એક જૂથ વીફર્યું હતું.
આ જૂથે માધાપર પોલીસ સ્ટેશનના સર્કલ પર જ સૂત્રોચ્ચાર કરવા સાથે રોડ પર બેસી જઈને ચક્કાજામ કરી દેતાં ભુજથી પૂર્વ કચ્છ તરફ જતો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પરિસ્થિતિ કાબૂમાં લેવા પોલીસે ભુજથી અન્ય પોલીસ મથકો અને બ્રાન્ચોના સ્ટાફને બોલાવવો પડ્યો હતો.
માધાપર PSI વી.જી. પરમાર મહિલા સરપંચ સાથે ભળેલા હોવાનો અને રાજકીય દબાણથી ધરપકડ ના કરતા હોવાનો લોકોએ આરોપ કર્યો હતો. ફરિયાદી આ બાબત અંગે પૂછે તો PSI પરમાર ધુત્કારતા હોવાનો લોકોએ આરોપ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પીએસઆઈ પરમાર કોડાયમાં શિકારી ટોળકીના કેસની કથિત ઢીલી તપાસને લઈ ચર્ચામાં આવ્યા હતા. પોલીસે ટોળાંની સમજાવટ કરીને માંડ માંડ વાહન વ્યવહારને પૂર્વવત્ કરાવ્યો છે. ચક્કાજામના લીધે ભુજથી માધાપર અને માધાપરથી ભચાઉ દુધઈ હાઈવે તથા અંજાર ગાંધીધામ તરફ જતા રસ્તા પર ભારે જામ સર્જાયો હતો.