કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના ૩૧ વર્ષિય અંશુલ ધીરજભાઈ ગોહિલ નામના યુવકના ખૂન કેસમાં પોલીસને કલાકો વીત્યાં બાદ પણ કોઈ કડી મળી નથી. આ ઘટના હત્યાના બદલે આત્મહત્યાની હોય તેવી નિષ્ણાત જાણકારોની અટકળ વધુ દ્રઢ થઈ છે. અંશુલનો ગઈકાલે સવારે મુંદરા તાલુકાના મોટી તુંબડી નજીક ગજોડ ડેમ સાઈટ પર નિર્જન વિસ્તારમાંથી લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલો મૃતદેહ મળી આવ્યો હતો. આગલા દિવસે પિતાને કપાળમાં ધોકો ફટકારીને અંશુલ નાસી ગયો હતો. બીજા દિવસે સવારે તેનો મૃતદેહ મળ્યો હતો. મૃત્યુ પૂર્વે પિતા સહિતના સ્વજનો અને અન્ય લોકો પર પોતાને માનસિક રોગી ગણી શારીરિક, માનસિક અને સામાજિક રીતે ખૂબ હેરાન કરાયો હોવાનું ૫૫ પાનાંમાં સ્યુસાઈડ નોટ જેવું ટાઈપ કરેલું લાંબુલચક લખાણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું હતું.
ઘટનાની તપાસ કરી રહેલા પ્રાગપર પીઆઈ ડી.ડી. શિમ્પીએ જણાવ્યું કે મૃતકને છાતીમાં ડાબી બાજુ છરીનો ઘા હતો અને ડાબા હાથના કાંડે એક ઘા હતો. નજીકમાં છરી પડેલી. પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં કાંડાની ધોરી નસ કપાઈ જવાથી વધુ પડતું લોહી વહી જવાથી મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબોએ તારણ રજૂ કર્યું છે.
અંશુલ ડેમસાઈટ પર પહોંચ્યો તે રૂટને ટ્રેક કરીને પોલીસે અનેક સીસીટીવી ફૂટેજ જોયાં છે પરંતુ તમામ ફૂટેજમાં તે એકલો જ એક્ટિવા પર જતો હોવાનું જણાય છે. સાંયોગિક પૂરાવાઓને અનુલક્ષીને નિષ્ણાતો આ મર્ડર નહીં પરંતુ સ્યુસાઈડ હોવાનું દ્રઢપણે માની રહ્યાં છે. આત્મહત્યાના અન્ય ઘણાં કેસમાં હતભાગીના શરીર પર મલ્ટિપલ ઈન્જરીના નિશાન જોવા મળેલાં છે. જો કે, પોલીસ આ મુદ્દે હજુ સુધી કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચી નથી.
Share it on
|