છાતી અને ડાબા કાંડે છરીના બે ઘાએ લીધો ભુજના અંશુલનો ભોગઃ હત્યાની ફરિયાદ દાખલ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરાના મોટી તુંબડી ગામના સીમાડે ગજોડ ડેમની બાજુમાં નિર્જન જંગલ વિસ્તારમાં ભુજના ૩૧ વર્ષિય યુવક અંશુલ ધીરજભાઈ ગોહિલની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.
Video :
અંશુલના ડાબા કાંડે અને છાતીમાં ડાબી બાજુ છરી વડે તીક્ષ્ણ હથિયારના બે ઘા મારીને અજાણ્યા શખ્સોએ હત્યા કરી હોવાની મૃતકના ૬૭ વર્ષિય પિતા ધીરજભાઈ ગોહિલે પ્રાગપર પોલીસ મથકે વિધિવત્ ફરિયાદ નોંધાવી છે.
મૃત્યુ પૂર્વેનું અંશુલનું બયાન અને ચકચારી પત્ર
મૃત્યુ પૂર્વે અંશુલે ઈન્સ્ટાગ્રામ પર ગુજરાતીમાં ટાઈપ કરેલાં ૫૫ પાનાંમાં પોતાની વ્યથાકથાનું વિસ્તૃત વર્ણન કર્યું છે. જેમાં પિતા પોતાને મનોરોગીમાં ખપાવીને, વિવિધ પ્રકારના કાવતરાં ઘડીને તેની જોડે મારકૂટ કરી માનસિક શારીરિક રીતે હેરાનગતિ કરી સામાજિક રીતે બદનામી કરતાં હોવાના આરોપ કરેલાં છે. પત્રમાં પિતાને અલગ અલગ સમયે કથિત કાવતરામાં સાથ સહકારી આપીને પોતાની સાથે સતામણી કરનારી બહેન, બનેવી, ફોઈ, તેમના સંતાનો, ભુજના હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ બારોટ અને તેમના સગા સંબંધીઓ વગેરે મળી ૪૨ જેટલાં લોકો પર આરોપ કરી પોતાની સાથે કંઈ થાય તો તેમને જવાબદાર ગણવા તેમ લખેલું છે.
અંશુલે ગઈકાલે પિતા પર કેમ હુમલો કરેલો? જાણો
આજે અંશુલનો મૃતદેહ મળ્યો તે પૂર્વે ગઈકાલે રાત્રે પિતા ધીરજભાઈએ પુત્ર અંશુલ સામે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં અંશુલ પ્રમુખસ્વામીનગરમાં છેલ્લાં ત્રણ માસથી ભાડે રહેતાં માતા પિતાને મળવા ગયો હતો.
અંશુલે લાભ શુભ સોસાયટીના મકાનના ઉપરના માળે બીજું મકાન બનાવી આપો તેવી માંગણી કરેલી. પિતાએ તે માટે રૂપિયા ના હોવાનું જણાવેલું.
જેથી અંશુલે ઉશ્કેરાઈને ભૂંડી ગાળો ભાંડીને પિતાને મુઢ માર મારી ઘરમાં પડેલો ધોકો કપાળમાં મારી દીધો હતો. અંશુલે વચ્ચે પડેલી માતા રસીલાબેનને પણ મુઢ માર માર્યો હતો. બનાવ અંગે જાણ થતાં ધીરજભાઈનો જમાઈ સાગર પીઠડીયા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સસરાને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો. હોસ્પિટલ ચોકીમાં મેડિકો લીગલ કેસની નોંધ કરાવ્યા બાદ રાત્રે ૮.૩૦ કલાકે ધીરજભાઈએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે પુત્ર અંશુલ સામે ફરિયાદ નોંધાવી હતી.
ત્રણેક માસથી અંશુલ ઘરમાં એકલો જ રહેતો હતો
અજાણ્યા શખ્સો સામે પુત્રની હત્યાની નોંધાવેલી ફરિયાદમાં પિતા ધીરજભાઈએ જણાવ્યું છે કે પોતે ભુજના પારેશ્વર ચોકમાં દરજીની દુકાને દરજીકામ કરે છે.
અંશુલ અપરિણીત હતો અને છેલ્લાં આઠ મહિનાથી કોઈ કામ ધંધો કરતો નહોતો. છેલ્લાં પાંચ સાત વર્ષથી તેની માનસિક રોગની સારવાર ચાલતી હતી, તે પોતાની રીતે દવા-ગોળી ખાતો હતો.
લાભ શુભ સોસાયટીમાં આવેલા મકાનમાં અંશુલ એકલો જ રહેતો હતો અને પોતે ત્રણ માસથી પ્રમુખસ્વામીનગરમાં ભાડાના મકાનમાં પત્ની સાથે રહે છે. ગઈકાલે પોતાના પર હુમલો કર્યાં બાદ પુત્ર જતો રહ્યો હતો.
પોલીસ હજુ કોઈ નિષ્કર્ષ પર નથી આવી, તપાસ ચાલું
કચ્છભરમાં ભારે ચકચાર સર્જનાર આ કેસની તપાસ કરી રહેલા પ્રાગપરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. શિમ્પીએ જણાવ્યું કે ઘટના ખરેખર હત્યાની છે કે અંશુલે જાતે જ છરી મારીને આત્મહત્યા કરી છે તે અંગે અમે હજુ સુધી કોઈ અંતિમ તારણ પર આવ્યાં નથી.
જમણેરી અંશુલની છાતીમાં ડાબી બાજુ અને ડાબા કાંડે છરીના બે ઘા છે. એક સ્થળે મળેલાં સીસીટીવીમાં અંશુલ એકલો એક્ટિવા પર ડેમસાઈટ તરફ જતો દેખાયો છે.
અંશુલના મૃતદેહ પાસે છરી અને એક્ટિવા પડ્યા હતાં. તેના પર્સમાં અંદાજે સાડા પાંચસો રૂપિયા પડ્યાં હતા અને મોબાઈલ પણ ત્યાં જ હતો. તેથી ચોરી કે લૂંટના ઈરાદે તેની કોઈએ હત્યા કરી હોય તેમ જણાતું નથી. તપાસ ચાલું છે અને જેમ જેમ તથ્યો ખૂલતાં જશે તેમ તેમ કેસની હકીકત સ્પષ્ટ થશે.