કચ્છખબરડૉટકોમ, ભુજઃ શનિવારે બપોરે માધાપરના ઈન્દ્રવિલા સર્કલ પાસે ટ્રકે રોડ પર ઊભેલાં બાઈકચાલકને જે રીતે અડફેટે લઈ મોત નીપજાવ્યું તે દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયાં છે.
Video :
ધોળા દિવસે વળાંક વળતી ટ્રકે નજર સામે ઊભેલાં બાઈકચાલક પર જે રીતે ટ્રક ચઢાવી દીધી હતી તે જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. માધાપર પોલીસે ઘટના અંગે સાપરાધ માનવવધની કલમો તળે ફરિયાદ નોંધી આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી છે.
વળાંકમાં ટ્રકને આવતી જોઈને બાઈક હંકારી રહેલા ૫૬ વર્ષિય નાનજીભાઈ વિશ્રામભાઈ પિંડોરીયા (રહે. કોટકનગર, માધાપર નવા વાસ) એ બાઈક થોભાવી દીધી હતી.
કદાચ તેમને હતું કે સાઈડમાંથી ટ્રક પસાર થઈ જશે પરંતુ ટ્રકચાલકે તો સીધી તેમના પર જ ગાડી ચઢાવી દીધી હતી. એટલું જ નહીં, બેખબર ટ્રકચાલક બાઈકસમેત થોડેક આગળ સુધી નાનજીભાઈને ઢસડીને ગયો હતો.
અન્ય વાહનચાલકો અને રાહદારીઓએ બૂમાબૂમ કરતાં ટ્રકચાલકે ટ્રક થોભાવી હતી. ગંભીર રીતે ઘાયલ નાનજીભાઈને જી.કે. જનરલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયાં હતા પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. માધાપર પીઆઈ ડી.એમ. ઝાલાએ જણાવ્યું કે GJ-12 AU-7542 નંબરની ટ્રકના ચાલક ધનજી નાથાભાઈ આહીર (ઉ.વ. ૨૬, રહે. કૃષ્ણનગર, કોટકનગર પાસે, માધાપર) સામે બીએનએસની કલમ ૧૦૫ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે. દુર્ઘટના અંગે એસપી વિકાસ સુંડાએ જણાવ્યું કે આવી કોઈપણ ઘટના ધ્યાને આવશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.