કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવીના બિદડા ગામે પોતાની દીકરી ગામના યુવક જોડે ભાગી જતાં વીફરેલાં પરિવારની ત્રણ મહિલાએ યુવકના વયોવૃધ્ધ પિતાને ધોકાથી ઢોર માર મારતાં ગંભીર રીતે ઘાયલ પિતાનું સારવાર દરમિયાન મોત થતાં બનાવ હત્યામાં પલટાયો છે. ૨૭-૦૩-૨૦૨૪ની સાંજે પોણા સાત વાગ્યે બિદડાના જૂના બસ સ્ટેન્ડ નજીક પાનના ગલ્લે બાંકડા પર ૭૫ વર્ષના નિર્બળ અને નિઃસહાય વૃધ્ધને ધોકાથી માર મારતી આ મહિલાઓનું કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલું અને તે ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. કોડાય પોલીસે ત્રણ મહિલા સહિત ચાર સામે દાખલ કરેલી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.
બિદડા ગામે રહેતો રાજેશ ઊર્ફે બૉબી લધાભાઈ સંઘાર અને ગામમાં રહેતી તેના સમાજની યુવતી બેઉ જણે જાન્યુઆરીમાં પ્રેમલગ્ન કરેલાં અને ફેબ્રુઆરીથી નાસી ગયાં છે. જેનો ખાર રાખીને રાજેશના પિતા લધાભાઈ સંઘાર પર હિંસક હુમલો કરાયો હતો.
બનાવ અંગે પોલીસે હુમલાખોર રાજબાઈ વીરમ સાકરીયા, જાનબાઈ બુધિયા અને સોનબાઈ સામે એકસંપ થઈ માર મારવા સબબ ગુનો દાખલ કર્યો હતો.
આ મહિલાઓને ગુનો આચરવા માટે કારમાં લઈ આવનાર રાજબાઈના ભત્રીજા વિશાલને પણ પોલીસે આરોપી બનાવી ગઈકાલે ચારેની અટક કરીને કૉર્ટમાં રજૂ કરાયેલાં. કૉર્ટે ચારેયને જામીન પર મુક્ત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ફરિયાદ નોંધાવનાર લધાભાઈના પુત્ર દિનેશે આરોપ કર્યો હતો કે તેમના પિતાની હત્યાના હેતુથી આયોજનબધ્ધ કાવતરું ઘડીને હુમલો કરાયો હોવા છતાં પોલીસે ગુનામાં હળવી કલમો લગાડી છે.
પોલીસે જણાવ્યું કે હત્યાની કલમનો ઉમેરો થયાં બાદ કૉર્ટની સૂચના મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
Share it on
|