કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઉનાળાની કાળઝાળ ગરમીમાં કચ્છની રણકાંધીએ આવેલા બન્ની પચ્છમમાં પેયજલની તંગી વિકટ બની છે. પાણી પુરવઠા તંત્રએ તપાસ હાથ ધરાવતાં રુદ્રમાતાથી લઈ લોરિયા સુધીના પટ્ટામાં આવેલી ૧૧ હાઈવે હોટેલ, વાહનોના બે સર્વિસ સ્ટેશન અને ડામર-બ્લોકના કારખાના મળી ૧૫ સ્થળેથી ૧૩.૯૧ લાખની પાણી ચોરીનો પર્દાફાશ થયો છે. વક્રતા એ છે કે ઘણી હોટેલ સહિતના કારખાના ભાજપના સ્થાનિક આગેવાનો અને કાર્યકરોના છે! બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાના મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ધરાવતા કોન્ટ્રાક્ટર દેવાયત પીઠીયાએ માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે
આ હોટેલો, ગેરેજ, કારખાનાવાળાઓએ નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં ગેરકાયદે રીતે કાણું પાડીને સળંગ એક માસ સુધી પાણીની ચોરી કરી હોવાનું જણાવાયું છે
જેની સામે ફરિયાદ નોંધાવાઈ છે તેમાં ન્યૂ બાબા રામદેવ રાજસ્થાન હોટેલના માલિક રાણુભા શિવુભા, આશાપુરા હોટેલના માલિક વિરમ આહીર, આશાપુરા હોટેલ પાછળ આવેલા ડામર પ્લાન્ટના અજાણ્યા માલિક, મહા રૂદ્રાણી હોટેલના માલિક રાઘવજી ગોપાલ, હોટેલ રુદ્રાણી કૃપાના માલિક શામજી ગોપાલ, રામદેવ કૃપા હાઈવે હોટેલના માલિક કાનજી જીવા, મહા રુદ્રશક્તિ ટી હાઉસના માલિક ગોપાલ લખણ, રૂદ્રાણી હાઈવે હોટેલના માલિક ભીલાલ ઈભલાભાઈ, વાઘેશ્વરી કૃપા ટી હાઉસના માલિક કાના રૂપા, મુરલીધર સર્વિસ સ્ટેશનના માલિક વાલજી લખણા, જય વડવાળા ટી હાઉસના માલિક માવજી રાણા, જોગમાયા હોટેલના માલિક પ્રહ્લાદસિંહ, રામદેવ હોટેલના માલિક લાખાભાઈ, લોરિયા ફાટક પાસે આવેલા બ્લોકના કારખાનાના માલિક રમેશભાઈ, રુદ્રાણી હોટેલ પાછળ આવેલા સર્વિસ સ્ટેશનના અજાણ્યા માલિકનો સમાવેશ થાય છે. એક પેઢીનો મૂળ માલિક પશ્ચિમ કચ્છનો એક પૂર્વ નિવૃત્ત પોલીસ કર્મચારી છે, જે હાલ ધંધામાં એક ધારાસભ્યનો પાર્ટનર હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
ખાવડા સુધી ઠેર ઠેર વ્યવાસાયિક દબાણોનો રાફડો
સરહદે રહેતા જવાનો સુધી નર્મદાના મીઠાં જળ પહોંચાડવાના આશયથી આ પાઈપ લાઈન નખાઈ હતી. સૂત્રોના દાવા મુજબ સફેદ રણોત્સવના લીધે આવતાં લાખ્ખો પ્રવાસીઓના કારણે છેક સફેદ રણ સુધી ઠેર ઠેર નાની મોટી ગેરકાયદે હોટેલો ઊભી થઈ ગઈ છે. આ હોટેલોના સંચાલકો યેનકેન રીતે વીજ અને પાણીના જોડાણો મેળવી લે છે. વહીવટી તંત્ર દ્વારા હાઈવે પર ઠેર ઠેર બની ગયેલી ગેરકાયદે હોટેલો પર હથોડો વીંઝાય તે પણ આવશ્યક છે.
Share it on
|