click here to go to advertiser's link
Visitors :  
01-Apr-2025, Tuesday
Home -> Bhachau -> SMC bust imported PCI coal theft and adulteration scam Five held
Thursday, 13-Mar-2025 - Bhachau 26663 views
૧૩ હજારના ભાવનો ઈમ્પોર્ટેડ કોલસો ડ્રાઈવરોને ‘ફોડી’ને અઢી હજારમાં કાઢી લેવાતો!
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉ પોલીસ સ્ટેશનથી માંડ બે કિલોમીટર દૂર સામખિયાળી તરફ જતા હાઈવે નજીક ટ્રકોમાંથી આયાતી કોલસાની ચોરી કરી લઈ હલકી ક્વૉલિટીના કોલસાની ભૂકી ભેળવી દેવાના કારસ્તાનનો SMCએ પર્દાફાશ કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સ્થળ પરથી એક ટ્રેલર, લોડર, હિટાચી મશીન, ૨૨.૭૫ લાખની કિંમતનો ૧૭૫ ટન ઈમ્પોર્ટેડ PCI કોલ, ૧ લાખ ૦૮ હજારના મૂલ્યની ૧૩૫ ટન હલકી ગુણવત્તાના કોલસાની ભૂકી વગેરે સાથે પાંચ જણની ધરપકડ કરી છે.
૧૩ હજારના ભાવનો કોલસો અઢી હજારમાં કાઢી લેવાતો

કચ્છના બંદરો પર વિદેશથી આયાત થતાં ઉચ્ચ ગુણવત્તાના PCI (Pulverized Coal Injection) થર્મલ કોલ ભરેલી ટ્રક ટ્રેલરોના ડ્રાઈવરોને ફોડીને ભચાઉનો દિવ્યરાજ હિતેન્દ્રસિંહ ઝાલા (રહે. દરબારગઢ, ભચાઉ) આ ખૂલ્લા વાડામાં લઈ આવતો. અહીં તેણે કામે રાખેલાં માણસો મજૂરો પચાસ ટકા કોલસો કાઢીને ચોરી લેતાં.

ચોરાયેલાં કોલસાના સ્થાને હલકી ગુણવત્તાના કોલસાની ભૂકી માટી વગેરે ભેળવી દેવાતાં. ઈમ્પોર્ટેડ PCI કોલનો એક ટનનો ભાવ ૧૩ હજાર રૂપિયા છે, દિવ્યરાજના કહેવાથી તેઓ ડ્રાઈવરોને એક ટન લેખે અઢી હજાર રૂપિયા આપીને માલ ચોરી લેતાં.

સ્થળ પરથી ઝડપાયેલાં મયોદ્દીન રસૂલભાઈ ચૌહાણ નામના પગારદાર સુપરવાઈઝરે કબૂલ્યું કે કોલસાની ભૂકી દિવ્યરાજ મોરબીના કારખાનાઓમાંથી મગાવતો અને ચોરેલો ઈમ્પોર્ટેડ PCI કોલ તે મોરબીના કારખાનાવાળાઓને વેચી ખાતો હતો.

રાહુલ નામનો ગાંધીધામનો ટ્રાન્સપોર્ટર પણ ભળેલો

SMCએ દરોડો પાડ્યો ત્યારે GJ-12 BZ-5135 નંબરના ૧૮ વ્હિલના ટ્રેલરમાં ભરેલો PCI કોલ હિટાચી મશીન વડે બહાર કઢાતો હતો. બાજુમાં એક લોડર પડેલું અને કેટલાંક મજૂર ત્યાં કામ કરતાં હતાં. SMCએ ટ્રેલરચાલક લક્ષ્મણસિંહ ચૌહાણની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તે ગાંધીધામની વિરાત્રા કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. કંડલાથી ઈમ્પોર્ટેડ કોલસો ભરેલું ટ્રેલર લઈને તે નીકળ્યો ત્યારબાદ તેના શેઠ રાહુલભાઈનો તેને ફોન આવેલો કે ભચાઉ ગુરુકૃપા હોટલ સામે દિવ્યરાજ બાઈક લઈને ઊભો છે. લક્ષ્મણે જણાવ્યું કે અગાઉ પણ આ વાડામાં એકવાર શેઠના કહેવાથી કોલસા ભરેલું ટ્રેલર કટીંગ કરાવી ગયો હતો. દિવ્યરાજને તે ઓળખતો હતો અને દિવ્યરાજની દોરવણી હેઠળ બીજીવાર આ વાડે ટ્રેલર લઈને આવ્યો છે.

સીલ તોડી માલ કાઢીને નકલી સીલ મારી દેવાતાં

કંડલા પોર્ટ ખાતે ટ્રક ટ્રેલરોમાં આયાતી કોલસો લોડ થયા બાદ તાડપત્રી લગાડીને તેના પર સીલ મારી દેવાય છે. દિવ્યરાજ આ સીલ તોડી નાખીને માલ ચોરી લેતો હતો. સ્થળ પર પડેલા લોડરને કબજે કરી તેની તલાશી લેવાઈ ત્યારે તેના ટૂલકિટ બોક્સમાંથી પીળા રંગના પ્લાસ્ટિક સીલની ૧૪ કોથળી મળી આવી હતી. એક કોથળીમાં ૪૦ સીલ હોય છે. આરોપીઓ માલનું મિક્સીંગ કરીને આ નકલી સીલ મારી દેતાં હોય તેવી આશંકા છે. SMC ત્રાટકી તેની થોડીક મિનિટ અગાઉ જ દિવ્યરાજ જમવાના બહાને સ્થળ પરથી સરકી ગયો હતો.

૧૦ સામે SMCની સરકાર તરફે ફોજદારી ફરિયાદ

સ્થળ પરથી પોલીસે ૨૨.૭૫ લાખનો ૧૭૫ ટન ઈમ્પોર્ટેડ PCI કોલ, ૧ લાખ ૦૮ હજારની કિંમતના ૧૩૫ ટન કોલસાની ભૂકી, ત્રણ વાહનો, પાંચ મોબાઈલ ફોન, આરોપીઓના કબજામાંથી મળેલાં રોકડાં ૧૩ હજાર ૩૭૦ રૂપિયા વગેરે મળી કુલ ૯૪ લાખ ૨૬ હજાર ૩૭૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સુપરવાઈઝર મયોદ્દીન ચૌહાણ, ટ્રેલર ડ્રાઈવર લક્ષ્મણ ચૌહાણ, હિટાચી ડ્રાઈવર સંતોષકુમાર વિશ્વકર્મા, લોડર ડ્રાઈવર અશર્રફ અલીમામદ કુંભાર અને મજૂર આમીન જુણેજાની ધરપકડ કરાઈ છે.

SMCએ ઝડપાયેલાં પાંચ આરોપીઓ ઉપરાંત સૂત્રધાર દિવ્યરાજ ઝાલા, વિરાત્રાના માલિક રાહુલ, ત્રણે વાહનોના માલિક સહિત કુલ ૧૦ સામે એકમેકની મદદ કરીને અંગત આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું ઘડીને, ટ્રક ડ્રાઈવરોને ફોડીને, કોલસાની ચોરી કરી, ભેળસેળ કરી, તેનો સંગ્રહ કરી, ખરીદ વેચાણ કરીને વિશ્વાસઘાત કરવા સબબ BNSની કલમ ૩૦૩ (૧), ૩૧૬ (૩) (૪), ૩૧૭ (૧) (૨) (૪), ૩૧૮ (૩), ૬૧ (૨) (a) અને ૫૪  હેઠળ ભચાઉ પોલીસ મથકમાં સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે.

કોઈના પર ઠીકરું ફૂટશે કે કુલડીમાં ગોળ ભાંગી જશે?

ભચાઉ અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી વાહનોના ડ્રાઈવરોને ફોડીને કોલસો, ખાદ્યતેલ, કિંમતી કેમિકલ્સ, પેટ્રોલયિમ પ્રોડક્ટસ વગેરે જેવી ઈમ્પોર્ટેડ કોમોડિટીઝની ચોરી કરવાનું નેટવર્ક સુવ્યવસ્થિત રીતે ધમધમે છે. સ્થાનિક ખાખીધારીઓના આંખ મિંચામણા વગર આ હરગીઝ શક્ય નથી.

આ અગાઉ ૧૫-૦૯-૨૦૨૨ના રોજ SMCએ આ જ રીતે ભચાઉ નજીક દરોડો પાડીને કોલસાના મિક્સીંગનું કૌભાંડ ઝડપેલું. ગઈકાલે SMCએ ઝડપેલો મયોદ્દીન ચૌહાણ તે વખતે પણ આ જ રીતે કોલસાના વાડામાં કામ કરતાં પકડાયો હતો. તે પ્રકરણમાં ભચાઉના તત્કાલિન PSI મનોજ મૂળશંકરભાઈ જોશીને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

તાજા દરોડા બાદ કોઈના પર ઠીકરું ફૂટે છે કે કેમ તે જોવું રહ્યું. જો ના ફૂટે તો આંખો બંધ કરીને માની લેવું કે સમગ્ર નેટવર્કના તાર બહુ લાં...બા છે!

Share it on
   

Recent News  
પંજાબની ખેપ મારી ૪૧ લાખનું કોકેઈન લાવનાર ભુજના ઢાબામાલિક સહિત બે પેડલર ઝડપાયાં
 
રાપરઃ મદદના નામે હાથ લંબાવીને કૌટુંબિક કાકાએ યુવાન પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો
 
દીકરી ભાગી જતાં બિદડાના પરિવારે મંગવાણાની મહિલા તલાટીને એસિડ એટેકની આપી ધમકી