કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ઓવરલોડ માલ ભરેલી બેકાબૂ ટ્રકે આજે ભચાઉમાં વધુ એક માનવજીવનો ભોગ લીધો છે. આજે બપોરે ૧૨ વાગ્યાના અરસામાં ડૉ. આંબેડકર સર્કલ નજીક સર્વિસ રોડ પર મીઠું ભરેલી ઓવરલોડ ટ્રકે ત્રણ વાહનોને અડફેટે લઈ બાઈકચાલક યુવકનું મૃત્યુ નીપજાવ્યું છે. નેશનલ હાઈવે સાથે જોડાયેલાં સર્વિસ રોડ પર ઓવરલોડ મીઠું ભરેલી ટ્રકે સૌપ્રથમ કાર અને રીક્ષાને ટક્કર મારી હતી. બાદમાં સામેથી આવી રહેલાં બાઈકચાલકને કચડી નાખ્યો હતો. પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ મૃતકનું નામ પ્રભુભાઈ વાલાભાઈ વરચંદ (આહીર) (ઉ.વ. અંદાજે ૩૫, રહે. રામવાવ, ભચાઉ) છે. હતભાગી યુવક ખેતીના કામે ભચાઉ આવ્યો હતો. અકસ્માતના પગલે ઓવરલોડ વાહનો સામે જનાક્રોશ ફાટી નીકળ્યો છે.
Share it on
|