કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉમાં વધુ એક વ્યાજખોર વિરુધ્ધ ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. ભચાઉ નજીક વોંધ ગામે પાન મસાલાની દુકાન ધરાવતાં દિલીપ સુથારે વોંધના મનોજ હેમરાજ રાવલ (મૂળ રહે. ભાભર, બનાસકાંઠા) સામે ફરિયાદ નોંધાવી છે. દિલીપે પોલીસને જણાવ્યું કે નાણાંભીડ હોઈ દુકાનમાં માલ ભરાવવા માટે ગયા વર્ષે ૦૬-૦૨-૨૦૨૪ના રોજ તેણે મનોજ પાસેથી ૧૦ ટકા વ્યાજે ૩ લાખ રૂપિયા મેળવ્યાં હતાં. મનોજ દર મહિને દુકાને આવીને વ્યાજ પેટે રોકડાં ૩૦ હજાર રૂપિયા લઈ જતો. એક વર્ષમાં મનોજને ત્રણ લાખ રૂપિયા ચૂક્તે કરી દીધાં છે. ચારેક માસ અગાઉ મનોજે લીલા રંગના કોરાં કાગળોમાં ફરિયાદીની સહી કરાવી લીધી હતી. એટલું જ નહીં, બેન્કનો બ્લેન્ક ચેક પણ લઈ ગયો હતો. ઉઘરાણીના નામે ફરિયાદીની સાત લાખની આઈ ટેન કાર પણ મનોજે પડાવી લીધી છે. આટલેથી તે ધરાયો નથી અને હજુ ચાર લાખ રૂપિયાની ઉઘરાણી કાઢીને ફરિયાદીને દુકાને આવીને મારી નાખવાની ધમકી આપ્યાં કરે છે.
Share it on
|