કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના લુણવા ગામે ગત રાત્રે અંદાજે નેવુંથી વધુ લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરવા સાથે એક પીએસઆઈને પકડીને હત્યાના હેતુથી માથામાં અણીદાર પથ્થર ઝીંકી સરકારી વાહનોમાં તોડફોડ કરતાં ચકચાર મચી ગઈ છે. ટોળાના પથ્થરમારામાં બે મહિલા પોલીસ કર્મચારી સહિત છ જણાં ઘવાયાં છે. પોલીસે ગામમાંથી પાંચેક હુમલાખોરને રાઉન્ડ અપ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે. ભચાઉ નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે ગત સાંજથી જ પોલીસ તંત્ર સ્ટેન્ડ ટૂ પોઝીશનમાં આવી ગયું હતું. રાત્રે હુમલો થયાની ખબર મળતાં પોલીસ ખાતામાં ભારે દોડધામ મચી ગઈ હતી.
લુણવા ગામે રહેતા પ્રવિણ ખેતાભાઈ કોલીએ ગઈકાલે સાંજે લુણવાના રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મનજી કોલી વિરુધ્ધ પોતાને મુઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ગામમાં બનાવેલાં જમ્પ મોટાં હોઈ ફરિયાદી ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે તેના ત્રણ ભત્રીજાઓ સાથે આરોપીઓની સમજાવટ કરવા ગયેલો અને તેમણે બનાવેલા જમ્પને થોડાં તોડી નાખીને આછા કરવા કહેલું જેથી વાહનોને નુકસાન ના થાય. પરંતુ, તેની વાતો સાંભળીને આરોપીઓએ ઉશ્કેરાઈને તેને માર માર્યો હતો.
ફરિયાદીએ જીવને જોખમ હોવાની જાણ કરી
ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રવિણ ગામમાં પરત ગયો ત્યારે આરોપીઓએ હથિયારધારી ટોળા સાથે આવી તેના ઘરને સળગાવી નાખવાની અને મારી નાખવાની ધમકી આપતાં પ્રવિણ ડરી ગયો હતો. તેણે પોલીસને જાણ કરતાં ભચાઉના પોલીસ સબ ઈન્સ્પેક્ટર ડી.જે. ઝાલા સહિતનો પોલીસ કાફલો રાત્રે સાડા આઠના અરસામાં લુણવા ગામે પહોંચ્યો હતો.
હાથમાં ધારિયા, ધોકા, પથ્થરો સાથે નેવું જણથી વધુ લોકોના ટોળાએ પોલીસ કાફલાને ઘેરી લીધો હતો. તમે શા માટે ખોટી ફરિયાદ દાખલ કરી? કહીને ટોળાએ પ્રવિણને મારવા લેતાં પોલીસ વચ્ચે પડી હતી.
ઉશ્કેરાયેલાં ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો.
નાગજી રામજી કોલી અને ધનજી જેસંગ કોલીએ પો.સ.ઈ. ઝાલાને પકડી રાખેલાં અને રાજેશ સામત કોલીએ હત્યા કરવાના હેતુથી હાથમાં રહેલો ધારદાર પથ્થર ઝાલાના માથામાં ઝીંકી દેતાં લોહી વહેવા માંડ્યું હતું.
છગન મેરુ કોલીએ પોલીસ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ વિક્રમસિંહને ડાબા હાથે ધોકો ફટકારી દીધો હતો. ટોળાએ પથ્થરમારો કરતાં પોલીસ કર્મચારી જયદીપસિંહ ભીખુસિંહ ડાભીને સાથળમાં, મયૂરસિંહ જયેન્દ્રસિંહને જમણા ઘૂંટણમાં, નિરમાબેન ડામોરને પીઠમાં અને મમતાબેન બારોટને પીઠમાં પથ્થર વાગવાથી હળવી મધ્યમ ઈજાઓ થઈ હતી. ટોળાએ પોલીસના સરકારી વાહનોમાં પણ ધોકા અને પથ્થરમારો કરી ભારે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. બનાવ અંગે મોડી રાત્રે ભચાઉ પોલીસ મથકે ૨૨ લોકો સામે નામજોગ અને અન્ય ૬૦થી ૭૦ અજાણ્યા સ્ત્રી પુરુષના ટોળાં વિરુધ્ધ હત્યાના પ્રયાસ, ફરજમાં રૂકાવટ, સરકારી વાહનમાં તોડફોડ કરી જાહેર સંપત્તિમાં નુકસાન સહિતની વિવિધ ભારેખમ કલમો તળે ગુનો નોંધવામાં આવ્યો હતો.
Share it on
|