કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ રાપરના ફતેહગઢ ગામે ૧૪ વર્ષની બાળાને આંખ મારી, લાજ લેવાના ઈરાદે તેનો હાથ પકડી જાતીય હુમલો કરવાના ગુનામાં ભચાઉની વિશેષ પોક્સો કૉર્ટે વાંઢિયા ગામના નાનજી ખોડા કોલી નામના શખ્સને બે વર્ષની કેદ સાથે બે હજારનો દંડ ફટકાર્યો છે. ૧૧-૦૬-૨૦૨૧ના રોજ વહેલી સવારે સાત વાગ્યે ફતેહગઢથી મોવાણા તરફ જતાં જાહેર રોડ પર બનાવ બન્યો હતો. આઠમા ધોરણમાં ભણતી દીકરી આંગણું વાળીને નજીકમાં આવેલા વાડામાં કચરો નાખીને પરત ઘર તરફ ફરતી હતી ત્યારે નાનજીએ તેના પર જાતીય હુમલો કર્યો હતો. ઘટનાને નજરે નિહાળનાર સ્વતંત્ર સાક્ષી, ગુનાનો ભોગ બનનાર બાળા અને તેના પિતાની ગુનાને સમર્થનકારી જુબાનીને અનુલક્ષીને કૉર્ટે આજે નાનજીને દોષી ઠેરવી સજા ફટકારી છે. વિશેષ જજ અંદલીપ તિવારીએ ઈપીકો કલમ ૩૫૪ અને પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ નાનજીને દોષી ઠેરવી બબ્બે વર્ષની સાદી કેદ તથા બબ્બે હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|