કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભાઈ ભાભીની મદદથી યુવાન પત્નીને કેરોસીન છાંટી જીવતી સળગાવી દેવાના બનાવમાં આજે ભચાઉ સેશન્સ કૉર્ટે પતિને સખ્ત આજીવન કેદની સજા ફટકારી છે. ભાઈને નિર્દોષ છોડી મૂક્યો છે, કેરોસીન રેડનારી ભાભી આજ સુધી ફરાર રહી છે. રાપરના પલાંસવા ગામે રહેતી ૨૫ વર્ષની ઈન્દુબેન મકવાણા (રજપુત) ૨૪-૦૮-૨૦૨૦ની પરોઢે છ વાગ્યે ઉઠીને નિત્યક્રમ મુજબ બાજુની વાડીએ ઢોરને દોહવા ગયેલી. ઢોરનું દૂધ દોહતી હતી તે સમયે અચાનક તેના પતિ ઈશ્વર કેયણાભાઈ મકવાણાએ તેને પાછળથી ઝકડી લીધી હતી. જેઠાણી હકીએ બોટલમાં લાવેલું કેરોસીન ઈન્દુ પર રેડ્યું હતું અને જેઠ રમેશ બોલ્યો હતો કે ‘આજે તો તને પતાવી જ દેવી છે’ જેઠાણીએ દિવાસળી સળગાવીને ઈન્દુને આગ ચાંપી દેતાં તે ભડભડ બળવા માંડી હતી. ઈન્દુની રાડારાડના પગલે અડોશપડોશનો લોકો ત્યાં દોડી આવ્યાં હતા અને તેમણે ગાદલાં ધાબળા નાખીને આગ ઓલવી નાખી હતી. ઈન્દુને ગંભીર હાલતમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી.
ઈન્દુનું ડાઈંગ ડિક્લેેરેશન મહત્વનું પૂરવાર થયું
મામલતદાર સમક્ષ આપેલા મરણોન્મુખ નિવેદનમાં ઈન્દુએ ઉપરોક્ત વિગતો સાથે જણાવ્યું હતું કે ‘તેના લગ્ન ત્રણેક વર્ષ પૂર્વે થયેલાં. બે વર્ષથી પતિ ઈશ્વર તેને ગમાડતો નહોતો અને તું મને ગમતી નથી કહીને સતત મહેણાં ટોણાં માર્યાં કરતો હતો’ બનાવ અંગે ૨૮-૦૯-૨૦૨૦ના રોજ આડેસર પોલીસે ઈશ્વર, તેના ભાઈ રમેશ અને રમેશની પત્ની હકી સામે ઈપીકો કલમ ૩૦૭, ૪૯૮-એ, ૧૧૪ હેઠળ ગુનો નોંધ્યો હતો. ૨૨-૧૦-૨૦૨૦ના રોજ ઈન્દુનું મૃત્યુ નીપજતાં પોલીસે હત્યાની કલમ ૩૦૨નો ઉમેરો કર્યો હતો.
પતિ ઈશ્વર પર અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે કેસ ચાલ્યો
આ કેસમાં ૨૨ સાક્ષી અને ૨૨ દસ્તાવેજી આધારો, મોટાભાગના સાક્ષીઓએ આપેલી સમર્થનકારી જુબાનીને આધારે આજે ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તિવારીએ ઈશ્વર મકવાણાને ઈપીકો કલમ ૩૦૨ હેઠળ સખ્ત આજીવન કારાવાસ સાથે પાંચ હજાર રૂપિયા દંડ તથા ઈપીકો કલમ ૪૯૮-એ હેઠળ ૩ વર્ષના સખ્ત કારાવાસ સાથે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કૉર્ટે રમેશને નિર્દોષ છોડી મૂક્યો છે. ગુનાની સહઆરોપી એવી જેઠાણી હકીબેન આજ દિન સુધી પકડાઈ નથી અને પોલીસ ચોપડે ફરાર જાહેર થયેલી છે.
પોલીસે ઈશ્વરની ૧૬-૧૨-૨૦૨૦ના રોજ ધરપકડ કરી હતી અને ત્યારથી તે જેલમાં જ છે. કેસમાં પ્રોસિક્યુશન તરફે સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ દલીલો કરીને તહોમત પૂરવાર કરી દોષીને મહત્તમ કડક સજા અપાવવા માટે રજૂઆત કરી હતી.
Share it on
|