કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પાંચ લાખનો ચેક બાઉન્સ થવાના એક કેસમાં ભચાઉની નીચલી કૉર્ટે આરોપીને દોષી ઠેરવી એક વર્ષની કેદ સાથે ચેકની ડબલ રકમ એટલે કે દસ લાખનો દંડ ફટકાર્યો છે. ઘટના ૨૦૧૭ના વર્ષની છે. ભચાઉમાં રહીને વકીલાત અને ખેતીકામ કરતા અમિષ નવીનભાઈ ઠક્કરને ભચાઉમાં ખેતપેદાશોનો વેપાર કરતા જીતેન્દ્ર શાંતિલાલ ગાંધી (રહે. હાલ મુંબઈ) સાથે ગાઢ મિત્રતા હતી. જીતેન્દ્રને ધંધામાં નાણાંની જરૂર પડતાં તેણે મિત્રતાના નાતે અમિષ પાસેથી હાથઉછીના પાંચ લાખ રોકડાં રૂપિયા મેળવેલાં અને ત્રણ માસમાં ચૂક્તે કરી દેવાનો વાયદો કરેલો. ત્રણ મહિના બાદ નાણાં પરત આપવાના બદલે ફરી તેણે વધુ પાંચ લાખ રૂપિયા એક માસના વાયદે ફરિયાદી પાસેથી ઉછીના મેળવ્યાં હતાં.
વાયદા મુજબ જીતેન્દ્ર નાણાં ચૂકવતો નહોતો. ઉઘરાણીના પગલે જીતેન્દ્રએ ફરિયાદીને પાંચ પાંચ લાખના બે ચેક લખી આપ્યાં હતાં. બંને ચેક અપૂરતાં ભંડોળના લીધે પરત ફર્યાં હતાં.
આ કેસમાં ફરિયાદીએ કૉર્ટમાં કેસ દાખલ કર્યા બાદ જીતેન્દ્ર ગાંધી હાજર રહેતો ના હોઈ તેની વિરુધ્ધ કૉર્ટે પકડ વૉરન્ટ ઈસ્યૂ કર્યું હતું. ત્યારબાદ પણ તેણે કૉર્ટ કાર્યવાહીમાં સહકાર આપ્યો નહોતો. ભચાઉના અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ ડી.એસ. ડાભીએ જીતેન્દ્રને દોષી ઠેરવી એક વર્ષની કેદ સાથે દસ લાખના દંડની સજા ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે બીજો ચેક પરત ફરવાનો કેસ હજુ કૉર્ટમાં પેન્ડિંગ છે.
આરોપી હાજર ના હોઈ કૉર્ટે તેની વિરુધ્ધ બિન જામીનપાત્ર વૉરન્ટ ઈસ્યૂ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં એડવોકેટ એન.એમ. મિયોત્રા, બી.એમ. સીયારીયા અને એલ.એ. કેલાએ ફરિયાદ પક્ષ તરફે પેરવી કરી હતી.
Share it on
|