કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ નર્સરી કે પ્રાથમિક શાળામાં ભણતી માસૂમ બાળકીઓને સ્કુલે લેવા મૂકવા જતાં રીક્ષાચાલકો કે વાહનચાલકો પરનો ભરોસો ડગી જાય તેવો વધુ એક બનાવ ભચાઉમાં બહાર આવ્યો છે. ભચાઉમાં દાદાની ઊંમરના એક સ્કુલ રીક્ષાચાલકે નર્સરીમાં ભણતી ૪ વર્ષ ૧૦ માસની માસૂમ બાળકીને તેની વાસનાનો શિકાર બનાવી છે. છેલ્લાં એક અઠવાડિયાથી આરોપી અરવિંદભાઈ ઊર્ફે સાધુરામ દ્વારકાદાસ રામાનંદી (રહે. ફૂલવાડી, ભચાઉ) માસૂમ બાળકીને શાળાએ લેવા મૂકવા જતી વખતે રસ્તામાં વિકૃત શારીરિક અડપલાં કરીને તેની વાસના સંતોષતો હતો. દીકરીએ કાલી ઘેલી ભાષામાં માવતરને ફરિયાદ કરતાં મામલો બહાર આવ્યો હતો. ભચાઉ પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૫ (૨) અને પોક્સો એક્ટની કલમ ૪ તથા ૬ હેઠળ ગુનો દાખલ કરીને આરોપી અરવિંદને ઝડપી પાડ્યો છે. આરોપીની વય અંદાજે ૫૭ વર્ષની છે. પોલીસ ઈન્સ્પેક્ટર એસ.ડી. સિસોદીયાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|