કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીની ગાયત્રી હોમ્સ સોસાયટીના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેનાર ૩૧ વર્ષિય ભરત મણિલાલ દેવરીયા નામના હતભાગી યુવકના કેસમાં નવો વળાંક આવ્યો છે. ભરતના કાકા લાલજી આતુ દેવરીયા (રહે. મોટી રાયણ, માંડવી)એ ભરતે તેની પત્ની મંજુલાના ત્રાસથી આપઘાત કર્યો હોવાની અંજારમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગત ૧૦મી ફેબ્રુઆરીની સવારે ઘરમાંથી ભરતનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના કાકા લાલજીભાઈએ જણાવ્યું કે ભરતના સાતેક વર્ષ અગાઉ મંજુલા સાથે લગ્ન થયેલાં. છેલ્લાં ઘણા સમયથી મંજુલા તેની સાથે ઝઘડા કરીને માનસિક ત્રાસ આપતી હતી. ભરત પોલીસ ખાતામાં જોડાવા ઈચ્છતો હતો અને થોડાંક સમય અગાઉ લેવાયેલી પોલીસ ભરતીની પરીક્ષા પણ પાસ કરી હતી.
ભરત અવારનવાર ફોન પર રડીને હૈયાવરાળ કાઢતો
પત્નીના ત્રાસ અંગે ભરત અવારનવાર તેના કાકા લાલજીભાઈ અને તેમના પુત્ર લક્ષ્મણને ફોન પર હૈયાવરાળ કાઢી રડતો રહેતો હતો. ગત નવેમ્બર મહિનામાં મંજુલા તેને છોડીને ગાંધીધામમાં માવતરે રહેવા જતી રહેલી. ભરતે પત્નીથી છૂટાછેડાં મેળવવા ગાંધીધામ ફેમિલી કૉર્ટમાં કેસ દાખલ કરેલો પરંતુ મંજુલા કે તેના પિયરીયા કૉર્ટમાં હાજર થતાં નહોતાં. ભરતને ત્રાસ આપવા મંજુલા અવારનવાર વરસામેડી જતી આવતી રહેતી હતી.
હતભાગી ભરતે પોલીસની પરીક્ષા પાસ કરેલી
૬ જાન્યુઆરીની મધરાત્રે બે વાગ્યે ભરત કાકાને ફોન કરીને ધૃસ્કે ધૃસ્કે રડવા માંડેલો. મંજુલા અને તેના સગાં બહુ હેરાન કરતાં હોવાનું કહીને પોતે આપઘાત કરીને મરી જશે તેમ જણાવતાં કાકાએ તેને એવું કોઈ પગલું ના લેવા ઘણો સમજાવેલો. બાદમાં તેને દસેક દિવસ સુધી રાયણ લઈ આવેલાં. આ સમયે કાકાએ ભરતના સાસરીયાઓ સાથે સમજાવટ કરવા પ્રયાસ કરેલો પરંતુ તેમણે અમારા કજીયામાં તમારે દખલગીરી નહીં કરવાની તેવું સૂણાવી દીધેલું. ચોથી ફેબ્રુઆરીના રોજ ભરતે કાકાને ફોન કરીને પોતે પોલીસની પરીક્ષા પાસ કરી દીધી હોવાનું જણાવેલું. ૮મી ફેબ્રુઆરીથી ભરતનો સંપર્ક કટ થઈ ગયેલો. કશુંક અમંગળ થયું હોવાની આશંકા સાથે પિતરાઈ ભાઈ લક્ષ્મણ તેના બનેવી સાથે વરસામેડીમાં ભરતના ઘેર આવ્યો ત્યારે ઘરમાં ભરતનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.
Share it on
|