કચ્છખબરડૉટકોમ, અંજારઃ ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓ કર્મચારીઓ માટે આજનો દિવસ ‘ભારે’ બની રહ્યો છે! એકતરફ, ખાનગી એકમને ગેરકાયદે જમીન ફાળવવાના ગુનામાં પૂર્વ કલેક્ટર અને નાયબ કલેક્ટર સહિતના ચાર અધિકારીને ભુજની કૉર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે. બીજી તરફ, અંજારની વિશેષ કૉર્ટે લાંચના એક ગુનામાં અંજાર વિસ્તાર વિકાસ મંડળ (આડા)ના બે સર્વેયરને એક-એક વર્ષની કેદ સાથે વીસ વીસ હજારનો દંડ ફટકાર્યો છે. ભુજ રહેતા પ્રતાપસિંહ શેખાવત અને તેમના પાર્ટનરોએ અંજારમાં મોટો પ્લોટ ખરીદી, તેમાં સબ પ્લોટીંગ કરીને કન્સલ્ટન્ટ પાસે નવા લે આઉટનો પ્લાન નકશો બનાવડાવી મંજૂરી માટે ‘આડા’માં અરજી કરી હતી. તેમની અરજી સંદર્ભે ‘આડા’ના બે સર્વેયર અમિત લલિતભાઈ વ્યાસ (૨૫, રહે. આદિપુર) અને દિપેન ધનજીભાઈ રૈયાણી (૩૮, રહે. અંજાર)એ મંજૂરી માટે હકારાત્મક અભિપ્રાય આપવાની અવેજમાં ૩૦ હજારની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતાં ના હોઈ તેમણે પશ્ચિમ કચ્છ એસીબીનો સંપર્ક કર્યો હતો. દિપેને ફરિયાદીને અમિત વ્યાસને મળી લેવા જણાવેલું. અમિતે કન્સલ્ટન્ટ મારફતે લાંચની માંગણી કરી હતી.
એસીબીએ ૩૧-૦૭-૨૦૦૮ના રોજ છટકું ગોઠવીને ‘આડા’ કચેરીમાં અમિત વ્યાસને લાંચના રોકડાં રૂપિયા સ્વિકારતો રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
આ ગુનામાં આજે ૧૬ વર્ષ અને ૯ મહિને અંજારના અધિક વિશેષ એસીબી જજ કમલેશ કે. શુક્લએ બેઉ આરોપીને દોષી ઠેરવી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૩ (૧) (ડી) અને ૧૩ (૨) હેઠળ ૧ વર્ષની સાદી કેદ સાથે બેઉને ૧૦ ૧૦ હજાર રૂપિયા દંડ તથા કલમ ૭ અને ૧૨ હેઠળ ૮ માસની સાદી કેદ સાથે ૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. કેસમાં સરકાર તરફે અંજારના એપીપી આશિષ પી. પંડ્યાએ હાજર રહીને દલીલો કરી હતી.
Share it on
|