કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના સાપેડા નજીક રીવેરા ફાર્મ હોટેલ પાસે ટ્રકે ઠોકર મારતાં બાઈક પર જઈ રહેલા નિંગાળ ગામના બે યુવકોના ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યાં છે. આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં દુર્ઘટના ઘટી હતી. બનાવ અંગે પ્રાથમિક વિગતો આપતાં અંજાર પો.સ.ઈ. બી.એસ. ચૌહાણે જણાવ્યું કે બેઉ યુવાનો પેટ્રોલ પંપ પરથી વાહનમાં પેટ્રોલ ભરાવીને, ઘર તરફ જવા ટર્ન લઈને રોંગસાઈડમાં જતાં હતા ત્યારે અંજારથી સાપેડા તરફ જઈ રહેલી ટ્રકે ટક્કર મારી હતી. મૃતકોમાં પરાશર ચંદ્રકાન્ત બરાડીયા (ઉ.વ. ૨૫) અને શ્યામ તુલસીભાઈ બરાડીયા (ઉ.વ. ૧૮)નો સમાવેશ થાય છે. માર્ગ અકસ્માતમાં એકસાથે બબ્બે નવયુવાનોના અપમૃત્યુથી નિંગાળ સહિત સમગ્ર આહીર સમાજમાં ઘેરાં આઘાત સાથે શોક છવાઈ ગયો છે. દુર્ઘટનામાં બેઉને એટલી ગંભીર ઈજા પહોંચી હતી કે સારવાર નસીબ થાય તે પૂર્વે બંનેએ દમ તોડી દીધો હતો.
Share it on
|