કચ્છખબરડૉટકોમ, ભુજઃ સુરતમાં આરટીઆઈ એક્ટિવીસ્ટ કમ પત્રકાર બનીને તોડબાજી કરતાં તત્વો સામે કડક એક્શન બાદ રાજ્યભરમાં પોલીસ તંત્રએ આવા તોડબાજો પર સકંજો કસવાની શરૂઆત કરી છે. કચ્છમાં અંજાર પોલીસે આવા જ એક શખ્સ સામે ભારેખમ કલમો તળે ગુનો નોંધી તેને દબોચી લીધો છે. રોશનઅલી આઈ. સંધાણી નામના મોટી નાગલપરના શખ્સે અંજારના વીડી ગામ પાસે આવેલા એમ.જી. ભવનાણી નામના કપચીના ભેડિયા (સ્ટોન ક્રશર પ્લાન્ટ)માં જઈ પત્રકારના નામે ફોટોગ્રાફી વીડિયોગ્રાફી કરીને ‘તમે ખનિજ ચોરી કરો છો, સમાચાર પ્રગટ કરીને ભેડિયો બંધ કરાવી દઈશ, મને દર મહિને પાંચ હજાર રૂપિયાનો હપ્તો આપવો પડશે’ કહીને ભેડિયા પર કામ કરતાં અબ્દુલ જત નામના કર્મચારી જોડે દાદાગીરી કરેલી.
અબ્દુલે નાણાં આપવા ઈન્કાર કરતાં રોશને તેને નીચે પાડી દઈને ગડદાપાટુ મારેલાં અને છરી બતાવી પતાવી દેવાની ધમકી આપેલી. ડરી જઈને અબ્દુલે તેને પાંચ હજાર રૂપિયા આપી દીધાં હતાં.
ઘટના અંગે ભેડિયાના શેઠ રામભાઈ ભાવનાણીએ અબ્દુલને પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવવા સૂચના આપતાં અબ્દુલે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી.
કોગ્નિઝેબલ ઓફેન્સ છતાં સવા બે મહિને FIR દાખલ થઈ
ઘટના ૨૬ અને ૨૭ જાન્યુઆરીના રોજ ઘટેલી જે અંગે અબ્દુલે ૩૧ જાન્યુઆરીએ ફરિયાદ આપેલી. કોગ્નિઝેબલ ઓફેન્સ હોવા છતાં પોલીસે તત્કાળ ફરિયાદ દાખલ કરી નહોતી. જો કે, હવે રાજ્યસ્તરે આવા તોડબાજ આરટીઆઈ એક્ટિવીસ્ટ સામે પગલાં લેવા ઝુંબેશ છેડાતાં આજે સવા બે મહિને પોલીસે વિધિવત્ ગુનો નોંધીને રોશન અલી સંધાણીની ધરપકડ કરી છે. સંધાણી પોતે સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઑફ ઈન્ડિયા (SDPI) પ્રમુખ હોવાનો પણ દાવો કરે છે.
સરકારી તંત્રો આવા તોડબાજોથી સુપેરે વાકેફ છે
પૂર્વ કચ્છ પોલીસે આરટીઆઈ અને પત્રકારના નામે બ્લેકમેઈલ કરી તોડ કરતાં શખ્સો સામે નીડરતાપૂર્વક ફરિયાદ નોંધાવવા આગળ આવવા જાહેર જનતાને અનુરોધ કર્યો છે. ખરેખર તો પોલીસે મહેસુલ તંત્ર, ખાણ ખનિજ તંત્ર, પ્રદૂષણ નિયંત્રણ વિભાગ, તાલુકા અને જિલ્લા પંચાયત, નગરપાલિકા, આરટીઓ, મામલતદાર, પુરવઠા શાખા, ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી, નશાબંધી કચેરી, વન વિભાગ, સંબંધિત શહેરી વિકાસ મંડળો વગેરેના જાહેર માહિતી અધિકારીઓને મળીને વારંવાર આરટીઆઈ કરતાં કહેવાતાં એક્ટિવીસ્ટોની માહિતી મેળવી, તેમણે કરેલી અરજીઓ અને ત્યારબાદની ગતિવિધિઓનું એનાલિસીસ કરે તો આવા ચોક્કસ લેભાગુ તત્વો આપોઆપ પરખાઈ જશે.
‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ જેવો છે અંદરનો ઘાટ
હકીકત એ છે કે તોડબાજ પત્રકારો હોય યા લેભાગુ આરટીઆઈ એક્ટિવીસ્ટ્સ આ લોકો જ્યાં નિયમભંગ થયો હોય કે ભ્રષ્ટાચાર થયો હોય તેવા કેસની વિગતો મેળવીને ‘તેં ચોરી કરી છે યા ખોટું કરીને મોટો માલ કમાયો છે તો તેમાં મને મારો થોડો ભાગ આપી દે’ તે માનસિક્તા સાથે તોડબાજી કરતાં હોય છે. મોટાભાગે ભ્રષ્ટાચારીઓ પણ તેમનું મોઢું બંધ કરી દઈને ‘તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ’ થઈ જતાં હોય છે. બાકી પોલીસ દેશી દારૂ વેચતાં બૂટલેગરો પાસે પૈસા પડાવતાં કહેવાતા પત્રકારો કે સ્પાના નામે કુટણખાનું ચલાવતાં સંચાલકોને બ્લેકમેઈલ કરતાં કહેવાતા પત્રકારો સામે કેમ પગલાં નથી ભરતી? કારણ કે તેમાં પરોક્ષ રીતે પોલીસની પણ પોલ ખૂલતી હોય છે!
આરટીઆઈ એક્ટનો ઉપયોગ કરી જનહિતમાં ભ્રષ્ટાચારને બહાર લાવતાં સાચાં માણસોનો મરો ના થાય તે જોવું પણ અનિવાર્ય છે. RTI કાયદો બેધારી તલવાર જેવો છે, તેનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે તે મહત્વનું છે.
ખાસ કરીને, યુપીએ સરકારે જનતાને આપેલાં આ મહત્વના કાયદાનું છેલ્લાં દસ વર્ષમાં વિવિધ રીતે વર્તમાન સરકારોએ જ ગળું ઘોંટવા પ્રયાસ કર્યો છે તે પણ યાદ રહે.
પશ્ચિમ કચ્છ પોલીસે આ વાંચવું નહીં
ભુજના એક અગ્રણી તબીબ પરિવારના જમીનના ડખામાં એક તોડબાજ પત્રકારે આરટીઆઈ કરીને આ પરિવારને દબાવવાનું શરૂ કર્યું છે. આ તોડબાજે કચ્છના એક બ્લેકમેઈલર તોડબાજ ચોપાનિયાના સંચાલકને પંદર હજાર રૂપિયાનું કવર આપીને તાજેતરમાં જમીનના ડખાના પેઈડ ન્યૂઝ છપાવીને પરિવારને દબાવવા પ્રયાસ કર્યો હતો. વક્રતા એ છે કે સમાચાર છાપનારો ‘મનમાં રોજ’ પૈસા મળશે તેવી આશામાં ફોનના ચકરડાં ઘૂમાવ્યાં કરે છે!
Share it on
|