કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના મેઘપર બોરીચીના પારસનગરમાં પાયલ ઉત્તમચંદાણી (સિંધી) નામની યુવતીની હત્યા કરવાના કેસમાં પ્રેમીની પૂછપરછમાં નવો વળાંક આવ્યો છે. હત્યાના ગુનાનું કાવતરું પાયલના સાવકા ભાઈએ ઘડીને હત્યારા પ્રેમીને ગુનાને અંજામ આપવામાં મદદ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કરણે ઘરે જઈ એકલી પાયલને રહેંસી નાખેલી
આદિપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી પાયલ નિત્યક્રમ મુજબ રીસેસમાં બપોરે ઘરે પાછી આવી હતી. તે સમયે તેના પ્રેમી કરણ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ. ૨૫, રહે. મોમાયનગર, અંતરજાળ)એ ઘરમાં પ્રવેશીને પાયલને છરી જેવા તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારીને મારી નાખી હતી. ગત રાત્રે બનાવ ધ્યાને આવ્યા બાદ પોલીસે કરણને ઉપાડી લઈને પૂછપરછ શરૂ કરેલી. કરણે પોલીસને જણાવ્યું કે પાયલ જોડે બે વર્ષથી તેને ફ્રેન્ડશીપ હતી. તે પાયલ જોડે લગ્ન કરવા ઈચ્છતો હતો. પરંતુ, પાયલને જાણે ફ્રેન્ડશીપમાંથી રસ ઉડી ગયો હતો. તેણે કરણ જોડે બ્રેકઅપ કરી દીધું હતું. કરણે પાયલ જોડે પરાણે ફ્રેન્ડશીપ જાળવી રાખવા પ્રયાસ કરતાં પાયલે તેના પર પોલીસ કેસ કરવાની ચીમકી આપેલી.
પાયલના સાવકા ભાઈ વિશાલે કરણને મદદ કરેલી
કરણે પોલીસ પૂછપરછમાં ઘટસ્ફોટ કર્યો કે હત્યાનું કાવતરું ઘડી, મદદ કરવામાં તેનો ખાસ મિત્ર વિશાલ ખેમચંદ ખેમનાણી (ઉ.વ. ૨૩, રહે. ધારા સોસાયટી, મેઘપર બોરીચી, અંજાર) પણ સામેલ હતો. આ વિશાલ પાયલનો સાવકો ભાઈ છે. બેઉ જણ એકાદ માસથી પાયલની હત્યાનું કાવતરું રચતાં હતાં. શુક્રવારે મોકો મળતાં કરણે ઘરમાં ઘૂસીને પાયલને મારી નાખી હતી. તેની કબૂલાતના પગલે પોલીસે વિશાલની પણ ધરપકડ કરી લીધી છે.
મકાન પડાવી પાયલે ખોટી ફરિયાદ કર્યાની હતી દાઝ
પાયલની માતા અને વિશાલના પિતા બેઉ લાંબો સમય મૈત્રી કરારમાં સાથે રહ્યાં હતાં. પારસનગરનું મકાન ખેમચંદભાઈએ પાયલની માતાના નામે ખરીદેલું. જો કે, બાદમાં બેઉ વચ્ચે મતભેદો થવા માંડતા ખેમચંદભાઈ તેમના બેઉ પુત્રોને લઈ અલગ રહેવા જતાં રહેલાં. આ મકાનને લઈ બેઉ પરિવાર વચ્ચે વિવાદ પ્રવર્તતો હતો. ૧૮-૦૫-૨૦૨૪ના રોજ મકાન મુદ્દે સાવકા પિતા અને બેઉ સાવકા ભાઈ વિશાલ અને ચંદ્રેશે ઘરે આવીને ધોકાથી મારકૂટ કરી હોવાની પાયલે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી.
પાયલ અને તેના પરિવારે પોતાનું મકાન પડાવી લીધું હોવાની અને ખોટી ફરિયાદ નોંધાવી હોવાની વિશાલને અદાવત હતી.
બીજી તરફ, કરણને પાયલે સંબંધ તોડી નાખ્યો તેની દાઝ હતી.
૨૦૨૨માં કરણ સામે સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો
પોલીસે ગુનામાં વપરાયેલી બાઈક અને મોબાઈલ ફોન કબજે કર્યા છે. કરણ અગાઉ સગીર વયની બાળાના અપહરણ, પોક્સો કેસમાં અંજાર પોલીસ મથકના ચોપડે ચઢી ચૂકેલો છે. તેની વિરુધ્ધ ૨૭-૦૮-૨૦૨૨ના રોજ ગુનો નોંધાયેલો. પ્રોબેશનરી IPS વિકાસ યાદવના માર્ગદર્શનમાં અંજાર પીઆઈ એ.આર. ગોહિલ, પીએસઆઈ એસ.જી. વાળાએ સ્ટાફની મદદથી ગણતરીના કલાકોમાં મર્ડર કેસનો ભેદ ઉકેલી બેઉ આરોપીની ધરપકડ કરી લીધી છે.
Share it on
|