કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર તાલુકાના જૂના સુગારિયા ગામે ત્રાટકેલાં તસ્કરોએ મધરાતે ત્રણ કલાકની અંદર ગામના વિવિધ છ મંદિરોના નકુચા તોડીને સોના ચાંદીના ૬૨ છત્તરો અને રસોડાના વાસણો મળી ૪૦ હજાર ૫૦૦ની માલમતાની ચોરી કરી છે. મંગળવારે રાત્રે બનેલા સામૂહિક બનાવ અંગે મોડી રાત્રે અજાણ્યા તસ્કરો સામે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ગામમાં રહેતા જીવાભાઈ ગુજરીયા (આહીર)એ પોલીસને જણાવ્યું કે મંગળવારે રાત્રે બેથી પાંચના અરસામાં ચોરીનો બનાવ બન્યો હતો. અજાણ્યા તસ્કરોએ જાડેજા પરિવારના મોમાય માતાના મંદિર, તેની બાજુમાં આવેલા શિતળા માતાના મંદિર, મંરડ પરિવારના મોમાય માતાના મંદિર, વાછરા દાદાના મંદિર, સુથાર પરિવારના ચામુંડા માતાના મંદિર અને ગામની ભાગોળે આવેલા મોમાય માના મંદિરમાં હાથફેરો કર્યો હતો.
તમામ મંદિરોમાંથી તસ્કરો ચાંદીના ૫૯ છત્તર, સોનાના ૩ છત્તર અને બે હજારના વાસણો મળીને ૪૦ હજાર ૫૦૦ની કિંમતની ચીજવસ્તુ ચોરી ગયાં છે.
આ કરતૂતના લીધે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે. વાગડના મંદિરોમાં સામૂહિક ચોરીના બનાવો સંદર્ભે પોલીસે રાજસ્થાની ગેંગને દબોચી લીધાં બાદ મંદિરોમાં સામૂહિક તસ્કરી બંધ થઈ ગઈ હતી. હવે ફરી આ ઘટના ઘટતાં પોલીસે તસ્કરોને શોધવા તપાસના ઘોડાં ચોમેર દોડાવવાનું શરૂ કર્યું છે.
Share it on
|