કચ્છખબરડૉટકોમ, અંજારઃ સરકારી પડતર જમીન વ્યક્તિગત નામે કરાવી આપવાની લાલચ આપીને બે અમદાવાદી ચીટરો અંજારના ભાદરોઈ ગામના યુવકને ૨.૫૯ લાખનો ચૂનો ચોપડી ગયાં છે. પોલીસે મુકેશ મોતીભાઈ દેસાઈ અને નિલેશ પ્રજાપતિ નામના શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. અંજારમાં હેન્ડીક્રાફ્ટની દુકાન ચલાવતા ૩૯ વર્ષિય ફરિયાદી વસ્તાભાઈ આશાભાઈ રબારી (રહે. ભાદરોઈ) ફેબ્રુઆરી ૨૦૨૪માં વિસનગરના તરભ ગામે આયોજીત વાળીનાથ ધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમાજના અન્ય યુવકો સાથે અઠવાડિયા માટે સેવા આપવા ગયા હતા. આ સમયે તેમની સાથે સેવા આપતાં અમદાવાદના મુકેશ મોતીભાઈ દેસાઈ (રહે. મણિનગર) સાથે પરિચય થયેલો.
મુકેશે પોતાની ઓળખાણ ઉપર સુધી હોવાનું જણાવીને પોતે સરકારી જમીનો વ્યક્તિગત નામે કરાવી આપવાનું કામ કરે છે તેમ કહેલું.
ફરિયાદીએ મુકેશને ગામમાં આવેલી એક સરકારી પડતર જમીન પોતાના નામે કરાવી આપવા કહેલું.
બે વાર અંજાર આવી એક લાખ રોકડાં લઈ ગયાં
ફરિયાદી ગામ પરત આવી ગયા તેના દસેક દિવસ બાદ મુકેશ ઈનોવા કાર લઈને નિલેશ પ્રજાપતિ (રહે. મણિનગર)ને લઈને અંજાર આવેલો. ‘આપણે ઉપર વહેવાર કરવાનો થશે’ કહીને ફરિયાદીને બે લાખ રૂપિયા લઈને મામલતદાર કચેરીએ બોલાવ્યો હતો. બે લાખ લઈને બેઉ જણ મામલતદાર કચેરીમાં ગયેલાં અને ફરિયાદીને બહાર ઊભો રખાવ્યો હતો. અડધો કલાક બાદ પરત આવીને મુકેશે પચાસ હજાર રૂપિયા પોતાની પાસે રાખી લીધાં હતા અને બાકીના દોઢ લાખ જરૂર પડ્યે ત્યારે આપવાનું કહીને ફરિયાદીને પરત આપી દીધાં હતાં. દસેક દિવસ બાદ ફરી બેઉ જણ ઈનોવા કાર લઈ અંજાર આવેલા અને ‘આપણી ફાઈલ ભુજ કલેક્ટર કચેરીમાં પડી છે, ત્યાં આપવાના છે’ કહીને ફરિયાદી પાસેથી પચાસ હજાર રૂપિયા મેળવીને રવાના થઈ ગયેલાં.
બાકીના નાણાં ઓનલાઈન મેળવીને ઠગાઈ કરી
ત્યારબાદ ચારેક માસ સુધી બેઉ જણે ફરિયાદી જોડે ટૂકડે ટૂકડે યુપીઆઈ તથા NEFT મારફતે ૧.૫૯ લાખ રૂપિયા મેળવ્યાં હતાં. ૨.૫૯ લાખ આપ્યા બાદ પણ કોઈ કામ ના થતાં ફરિયાદીએ નાણાં પરત માગતા બેઉ જણ વાયદા કરવા માંડ્યા હતાં. બાદમાં બેઉ જણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધેલું.
Share it on
|