કચ્છખબરડૉટકોમ, અંજારઃ સરકારી સબસીડીયુક્ત યુરિયા ખાતરનો ગેરકાયદે રીતે અન્ય હેતુ બદલ ઉપયોગ કરવા સબબ અંજાર જીઆઈડીસીના ફેક્ટરી માલિક અને તેને સરકારી યુરિયા મોકલનાર ભચાઉના ત્રણ શખ્સો વિરુધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. બાતમીના આધારે ૧૭-૧૦-૨૦૨૪ના રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે અંજાર GIDCમાં આવેલી લક્ષ્મી પોલિમર્સ નામની ફેક્ટરીમાં દરોડો પાડી ટ્રકમાંથી ફેક્ટરીમાં ઠલવાઈ રહેલી નીમ કોટેડ યુરિયાની ૭૦ હજારની ૨૬૪ બોરી શક પડતાં મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી. સ્થળ પર હાજર ફેક્ટરી માલિક વિનોદ જેન્તીલાલ લિંબાણી (રહે. માધવવિલા, અંજાર મૂળ રહે. દેવપર યક્ષ, નખત્રાણા) અને ટ્રક ચાલક ભરત ચૌહાણ (રહે. ટાટાનગર, ભચાઉ)ની અટક કરાઈ ટ્રક, બે મોબાઈલ ફોન અને યુરિયાનો મુદ્દામાલ અંજાર પોલીસે મથકે સુપ્રત કરાયાં હતાં.
વિનોદ લિંબાણીએ યુરિયાનો જથ્થો ભચાઉના કકરવાના રામજી આહીર પાસેથી મગાવ્યો હોવાનું જણાવેલું. ટ્રક ચાલક ભરતે પોલીસને જણાવેલું કે કકરવાના મહાદેવ આહીરે કારથી તેની સાથે કકરવા મંડળીના ગોડાઉન પર આવી ત્યાંથી યુરિયાનો જથ્થો ટ્રકમાં ભરાવેલો.
માલ ખાલી કરાવવા મહાદેવ તેને અંજાર GIDC લઈ આવ્યો હતો. જપ્ત યુરિયાનો જથ્થો સરકારી નીમ કોટેડ સબસીડાઈઝ્ડ યુરિયા હોવાનું લેબ ટેસ્ટના રીપોર્ટમાં સ્પષ્ટ થયું હોવાના ખેતીવાડી વિભાગના અહેવાલ બાદ એલસીબીએ સરકાર તરફે ચારે વિરુધ્ધ ધ ફર્ટિલાઈઝર કંટ્રોલ ઓર્ડર અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની વિવિધ ધારાઓ તળે અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
Share it on
|