કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં આંબાની વાડીની ૨૨ હજાર ૩૧૨ ચોરસ મીટર જમીન ગેરકાયદે પચાવી બે પાકી ઓરડી સહિતનું બાંધકામ કરી દેનાર પાંચ જણાં લેન્ડગ્રેબિંગની ફરિયાદમાં ફીટ થયાં છે. ભુજ યોગેશ્વરધામ સોસાયટીમાં રહેતા ૬૦ વર્ષિય અનિલભાઈ રવાભાઈ આહીર અંજાર સીમ સર્વે નંબર ૨૫૦ પૈકી ૧વાળી ૫.૫૪ હેક્ટર જમીનમાં આંબાની વાડી ધરાવે છે. તેમની વાડીમાં ગેરકાયદે પ્રવેશ કરીને આરોપી રાજેશ મોહનલાલ ગામોટ, નિતેશ રાજેશ ગામોટ, સંજય કિરણ કાપડી, અમિત કિરણ કાપડી અને નવિન બારોટે ૨૨ હજાર ૩૧૨ ચોરસ મીટર જમીન પચાવી પાડી હતી.
આરોપીઓએ ચોતરફે ફેન્સીંગ કરીને બે પાકી ઓરડીઓ, સિમેન્ટની પાણીની ટાંકી તથા લોખંડનો ગેટ નાખી દીધો હતો.
આ મામલે અનિલભાઈ આહીરે જિલ્લા કલેક્ટરની અધ્ક્ષતાવાળી સમિતિમાં લેન્ડગ્રેબિંગ એક્ટ તળે અરજી કરેલી. સમિતિએ સુનાવણી હાથ ધરીને પાંચે આરોપી સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા હુકમ કરતાં તેમણે આજે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|