કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના મેઘપર બોરીચીના પારસનગરમાં ઘરે એકલી રહેલી ૨૩ વર્ષની પાયલ ઉત્તમચંદાણી (સિંધી) નામની યુવતીને તેના પ્રેમીએ તીક્ષ્ણ હથિયાર વડે ક્રૂરતાથી રહેંસી નાખી હોવાનો બનાવ બનતાં પોલીસમાં દોડધામ મચી ગઈ છે. હત્યારા પ્રેમીએ ઝનૂનપૂર્વક યુવતીના ગુપ્ત ભાગ, ગળા, છાતી, પેટ, ડાબા હાથ સહિતના અંગોમાં છથી સાત વાર કરતાં યુવતી ઘરના મેઈન હૉલમાં જ લોહીના ખાબોચિયામાં લોથ બનીને ઢળી પડી હતી. બપોરે બનેલી હત્યાનો બનાવ રાત્રે આઠ વાગ્યાના અરસામાં પ્રકાશમાં આવ્યો હતો. ઘટના અંગે મૃતક પાયલના ભાઈ કરણ પ્રકાશ ઉત્તમચંદાણીએ અજાણ્યા હત્યારા સામે મધરાત્રે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
માતા રાત્રે ઘરે પરત ફરી ને ઘરમાં દીકરીની લાશ જોઈ
મરણ જનાર પાયલ આદિપુરમાં ડૉ. સલાટની હોસ્પિટલમાં રીસેપ્સનીસ્ટ તરીકે નોકરી કરતી હતી. પાયલ તેના ભાઈ કરણ, માતા નિશાબેન, નાનીમા ભોપીબેન સાથે રહેતી હતી. કરણ ગાંધીધામની દુકાનમાં, પાયલ હોસ્પિટલમાં અને માતા તથા નાનીમા બેઉ જણ વૃધ્ધોના કેરટેકર તરીકે નોકરી કરે છે.
સૌ સવારમાં નવ દસ વાગ્યે નોકરી પર નીકળી જાય છે અને રાત્રે આઠ નવ વાગ્યે ઘેર પરત ફરે છે.
મૃતક પાયલ સવારે દસ વાગ્યે નોકરી જતી અને બપોરે બે વાગ્યે ઘેર પરત ફરતી. ત્યારબાદ સાંજે પાંચ વાગ્યે નોકરી જતી અને રાત્રે નવ વાગ્યે ઘેર પરત ફરતી. ગઈકાલે બપોરે પાયલ ઘરે પરત આવી તે બાદ તેના પ્રેમીએ તેની હત્યા નીપજાવી હતી. રાત્રે આઠ વાગ્યે માતા ઘરે પરત ફરી ત્યારે પાયલની હત્યા થયાનું પ્રકાશમાં આવ્યું હતું. મોડી રાત્રે પાયલના ભાઈએ અજાણ્યા હત્યારા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે હત્યારા પ્રેમીને દબોચી લીધોઃ સૂત્ર
હત્યાનો બનાવ બહાર આવતાં જ અંજાર પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે હત્યારા યુવકને દબોચી લેવાયો છે. આ હત્યારો બીજું કોઈ નહીં પરંતુ પાયલનો પ્રેમી છે. તે પાયલ સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ પાયલ લગ્ન કરવા ઈચ્છતી ના હોઈ બેઉ વચ્ચે અવારનવાર બોલાચાલી થતી રહેતી હતી. ઉશ્કેરાઈને પ્રેમીએ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાની તપાસ અંજાર પીઆઈ એ.આર. ગોહિલ ચલાવી રહ્યાં છે.
Share it on
|