કચ્છખબરડૉટકોમ, અંજારઃ ૧૪ માસ અગાઉ અંજારમાં હોમગાર્ડને છરી મારી હત્યાનો પ્રયાસ કરનાર બાઈક ચોરીના રીઢા આરોપીને ખાખીની જાણે કોઈ બીક ના રહી હોય તેમ તેણે વધુ એક વખત અંજારના પોલીસ કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કર્યો છે. હુમલામાં આરોપીનો બાપ અને એક સ્ત્રી પણ સામેલ હતાં. પોલીસે ગુનો નોંધીને બાપ બેટાને ‘અંદર’ કરી દીધાં છે. અંજારની સરકારી હોસ્પિટલ પાછળ રહેતો અને અગાઉ બાઈક ચોરી ત્રણેક ગુનામાં ઝડપાયેલો ધૃવ ઊર્ફે ધુલો વેલજીભાઈ ચૌહાણ ચોરીની બાઈકના પાર્ટસ છૂટાં પાડીને સગેવગે કરવાની ફિરાકમાં હોવાની અંજારના કોન્સ્ટેબલ બિપીન નાથાભાઈ ઝીલરીયાને બાતમી મળેલી. સાંજે સાડા છના અરસામાં બાતમીની ખરાઈ કરવા માટે કોન્સ્ટેબલ સ્થળ પર પહોંચ્યો હતો.
બાપ બેટાએ મારી નાખવાના હેતુ કોન્સ્ટેબલના માથામાં પથરાં માર્યાં
કોન્સ્ટેબલને જોઈને જ ધુલો ઉશ્કેરાઈને ગાળો ભાંડવા માંડ્યો હતો. જેથી કોન્સ્ટેબલે સાથી કોન્સ્ટેબલ ગુલાબસિંહને ફોન કરી સ્થળ પર બોલાવ્યો હતો. દરમિયાન, ધુલાનો પિતા વેલજી પણ ત્યાં આવી ચઢ્યો હતો. ‘તમે પોલીસવાળા અવારનવાર મારા ઘેર આવીને મારા દીકરાને ખોટી રીતે હેરાન કરો છો’ કહી વેલજીએ બબાલ કરેલી. ઉશ્કેરાયેલાં ધુલાએ કોન્સ્ટેબલના માથામાં છૂટો પથરો ઝીંકી દેતાં માથામાંથી લોહી વહેવા માંડ્યું હતું અને ઈજાથી નીચે પડી ગયો હતો.
વેલજીએ પણ પથરો લઈને કોન્સ્ટેબલને મારી નાખવાના હેતુ માથા અને હાથમાં વારંવાર ઘા માર્યાં હતાં. આ સમયે એકતા નામની સફાઈ કામદાર ત્યાં આવી હતી અને તેણે ‘આ તો રોજનું છે, આજે તો એને જીવતો રહેવા દેતાં નહીં, મારી જ નાખો’ કહી બાપ બેટાને ઉશ્કેર્યાં હતાં.
કોન્સ્ટેબલની બૂમાબૂમના પગલે હોસ્પિટલ સ્ટાફના બે જણ સ્થળ પર દોડી આવ્યાં હતા અને તેને વધુ માર ખાતો બચાવ્યો હતો. હુમલામાં કોન્સ્ટેબલને હાથમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે.
બાપ બેટાને સરકારી મહેમાન બનાવી પોલીસે કરી સરભરા
ધુલાનો બાપ વેલજી હાલ રામબાગ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે સરકારી નોકરી કરે છે. ધુલો અને તેના અન્ય બે સાગરીતો ૮-૧૨-૨૦૨૩ની મધરાત્રે ચિત્રકૂટ સર્કલ પર શંકાસ્પદ બાઈક સાથે હતા ત્યારે પીસીઆર વાનમાં પેટ્રોલીંગ કરતા કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાને તેમને અટકાવવા પ્રયાસ કરતાં તેમણે જયવીરસિંહ જાડેજા નામના હોમગાર્ડ જવાનના પેટમાં છરી ભોંકી દીધી હતી. હુમલાખોર બાપ બેટાને ‘સરકારી મહેમાન’ બનાવીને અંજાર પોલીસ તેમની એવી સરભરા કરી રહી છે કે બેઉ જણ ગદગદ્ થઈ ગયાં છે! પીઆઈ એ.આર. ગોહિલે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
Share it on
|