કચ્છખબરડૉટકોમ, અંજારઃ કળિયુગના એક હવસખોર પુત્રએ માતા સાથેના સંબંધો પર ઘેરું કલંક લગાડતું એવું ભયંકર કરતૂત આચર્યું છે કે જેને જાણીને સૌ કોઈનું માથું શરમથી ઝૂકી જાય. પચાસ વર્ષના નરાધમ દીકરાએ શારીરિક રીતે વૃધ્ધ અને અશક્ત એવી સગી જનેતા પર ક્રૂરતાપૂર્વક બળાત્કાર ગુજાર્યો છે. અંજાર પોલીસ સ્ટેશનથી પૂર્વ દિશાએ માંડ પાંચ કિલોમીટર દૂર આવેલા એક ગામમાં ગુરુવાર ૨૭ ફેબ્રુઆરીની રાત્રે નવના અરસામાં બનાવ બન્યો હતો. પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ૫૦ વર્ષનો અપરિણીત પુત્ર પંચોતેર-એંસી વર્ષની વૃધ્ધ માતા સાથે એક જ મકાનમાં રહે છે. બાજુમાં નાના ભાઈનું મકાન આવેલું છે. દારૂડિયો પુત્ર વર્ષોથી કશો કામ-ધંધો કરતો નથી અને રખડી ખાય છે. સંબંધીઓએ આપેલી માહિતી મુજબ નાલાયક દીકરો કાયમ વૃધ્ધ માતાને મારકૂટ કરતો રહેતો. દારૂ પીવા પૈસા ના હોય તો ઘણીવાર માતાને ભીખ માંગવા મજબૂર કરતો. નાલાયક દીકરાના કરતૂતથી અડોશપડોશના લોકો સહિત આખું ગામ ત્રસ્ત છે.
ગુરુવારે રાત્રે નરાધમે તેની હવસ સંતોષવા સગી જનેતાને જ નિશાન બનાવી હતી. માતાની રાડારાડના પગલે અડોશપડોશના લોકોએ આવીને દરવાજો ખોલાવ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈ સૌ કોઈ હચમચી ઉઠ્યાં હતાં. ઘટનામાં વૃધ્ધ મહિલાને માથા અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે.
સગા પુત્રએ આચરેલું પાપ સહન ના થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી જનેતાને બ્રેઈન સ્ટ્રોક આવી જતાં હેમરેજ થઈ ગયું છે. હાલ આ વૃધ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજૂક હાલતમાં સારવાર હેઠળ છે. ઘટના અંગે નાના ભાઈની વહુએ અંજાર પોલીસ મથકે જેઠ સામે આપેલી ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૮ (૨) (ઈરાદાપૂર્વક ગંભીર ઈજા પહોંચાડવી), ૬૪ (૨) (I) પોતાની આશ્રિત હોય તેવી મહિલા કે જે શારીરિક સંબંધ માટે સંમતિ આપવાની સ્થિતિમાં ના હોય અને ૬૪ (૨) (L) કોઈના જીવને જોખમ ઊભું થાય તેવી ઈજા પહોંચાડવા સાથે દુષ્કર્મ આચરવું હેઠળ ગુનો નોંધી ‘અંદર’ કરી દીધો છે.
ઘટના ધ્યાને આવતાં અંજાર પોલીસ સ્ટેશનનો આખો સ્ટાફ હચમચી ઉઠ્યો છે.
પીઆઈ એ.આર. ગોહિલે જણાવ્યું કે ‘મારી પોલીસ કારકિર્દીમાં મેં સૌપ્રથમવાર આવો ઘૃણાસ્પદ ગુનો જોયો છે’ આરોપી પર અગાઉ ગાંધીધામ અને અંજારમાં દારૂ પીવાના ત્રણેક ગુના નોંધાઈ ચૂકેલાં છે.
Share it on
|