કચ્છખબરડૉટકોમ, અંજારઃ હિન્દી ફિલ્મોના હિરો ભલે પ્રેમ કરવા માટે ‘ના ઉમ્ર કી સીમા હો..’ તેવા ગીત ગાતાં હોય પણ દેશમાં ૧૮ વર્ષથી ઓછી વયની છોકરીની સહમતિ હોય તો પણ તેની સાથે બાંધેલા શારીરિક સંબંધ દુષ્કર્મની વ્યાખ્યામાં આવે છે. સેક્સ માટે સહમતિની વયના નિર્ધારણ મામલે દેશમાં અવારનવાર વાદ-વિવાદ છેડાતાં રહે છે. આ પૂર્વભૂમિકા વચ્ચે અંજારમાં કિશોર વયની છોકરીના પ્રેમમાં પડીને શારીરિક સંબંધો બાંધી તેને ગર્ભવતી બનાવવાના ગુનાના આરોપી ૨૩ વર્ષિય યુવકની નિયમિત જામીન અરજી અંજાર સેશન્સ કૉર્ટે પાંચમી વખત નામંજૂર કરી છે.
મહેશ જોગાભાઈ પ્રજાપતિ નામના યુવક સામે ૨૦૨૧માં અનુસૂચિત જાતિની કિશોર વયની છોકરીનું અપનયન કરીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી કરવાનો ગુનો દાખલ થયો હતો.
પોલીસે ઈપીકો કલમ ઉપરાંત પોક્સો અને એટ્રોસીટીની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં બે વર્ષથી વધુ સમયથી આરોપી જેલમાં કેદ છે. અગાઉ હાઈકૉર્ટમાં તેણે જામીન મેળવવા અરજી કરેલી પરંતુ કૉર્ટનું વલણ જોતાં અરજી પરત ખેંચી લીધી હતી. આ વખતે આરોપીના વકીલે દલીલ કરી કે ફરિયાદ પક્ષ સાથે સમાધાન થઈ ગયું છે, ગુનાનો ભોગ બનનાર યુવતી અને અન્ય સાક્ષીઓની જુબાની પૂરાવા લેવાઈ ગયાં છે અને તેમાં ક્યાંય આરોપીએ અપહરણ કરી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હોવાના આરોપ નથી.
ગર્ભના ડીએનએ ટેસ્ટના આધારે આરોપીએ જ કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનું અને પોક્સો તથા એટ્રોસીટી જેવા વિશેષ કાયદા હેઠળ ગુનો કર્યો હોવાની સરકારી વકીલ એ.પી. પંડ્યાની દલીલને ગ્રાહ્ય રાખી ત્રીજા અધિક સેશન્સ જજ કે.કે. શુક્લએ આરોપીએ પાંચમી વખત કરેલી જામીન અરજી ફગાવી દીધી છે.
નોંધનીય છે કે ભારતીય ન્યાય વ્યવસ્થામાં વ્યક્તિ સ્વાતંત્ર્યના મૂળભૂત બંધારણીય અધિકારને અગ્રતા અપાયેલી છે. તેથી કોઈ ખાસ ગંભીર ગુનો, કારણો કે તારણો ના હોય તો અદાલતો ‘બેઈલ ઈઝ ધ રૂલ એન્ડ જેઈલ ઈઝ ધ એક્સેપ્શન (જામીન આપવા તે નિયમ છે, જેલ અપવાદરૂપ છે)’ના મુદ્રાલેખને અનુલક્ષીને આરોપીને પ્રી-ટ્રાયલ કન્વિક્શન (ટ્રાયલ પૂર્વેની સજા) ના થાય તે હેતુથી મોટાભાગે જામીન પર મુક્ત કરી દેતી હોય છે.
સાત વર્ષ કે તેથી ઓછી સજાને પાત્ર ગુનાઓમાં તો સુપ્રીમ કૉર્ટે પોલીસ અધિકારીઓને આરોપીને જામીન પર છોડી દેવાનો વિશેષાધિકાર આપેલો છે.
Share it on
|