click here to go to advertiser's link
Visitors :  
03-Apr-2025, Thursday
Home -> Anjar -> Anjar police detects murder case within 24 hours Arrests Key accused
Saturday, 08-Feb-2025 - Anjar 36977 views
મોંઘો ફોન પડાવવા બાઉન્સર મિત્રએ જ સાગરીત સાથે મળી અંજારના યુવકની હત્યા કરેલી
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષિય રાહુલકુમાર રાકેશકુમાર ગૌડની ઘાતકી હત્યા તેના જ મકાનમાં રહેતાં યુવકે એક સાગરીત સાથે મળીને કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હત્યાનું કારણ રાહુલે થોડાંક સમય અગાઉ પચાસ હજાર રૂપિયામાં ખરીદેલો સેકન્ડ હેન્ડ સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા ૨૨ મોબાઈલ ફોન પડાવી લેવાનું બહાર આવ્યું છે.

મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢનો વતની રાહુલ ગૌડ અને તેની પત્ની પૂજા ગૌડ બેઉ વેલસ્પન કંપનીમાં અલગ અલગ યુનિટમાં નોકરી કરે છે. તેમના ભાડાના ઘરના એક રૂમમાં રાહુલનો હમવતની મિત્ર ઈન્દ્રજીત ગુર્જર છેલ્લાં અઢી વર્ષથી રહેતો હતો. ઈન્દ્રજીત ગુર્જર પણ વેલસ્પન કંપનીના સિક્યોરીટી વિભાગમાં બાઉન્સર તરીકે નોકરી કરે છે.

શુક્રવારે બપોરે કેનાલમાંથી રાહુલની લાશ મળેલી

ગઈકાલે શુક્રવારે બપોરે અંજારના અરિહંતનગર પાછળની નર્મદા કેનાલમાંથી રાહુલનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળા પર છરી જેવા તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા મારેલાં હતાં. રાહુલ ગુરુવારે સાંજે સાત વાગ્યે નોકરી પરથી છૂટ્યાં બાદ ગાયબ થયો હતો. હત્યાના પગલે અંજાર પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલે તુરંત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સને એક્ટિવ કરી દીધાં હતાં અને ગણતરીના કલાકોમાં જ પોલીસના રડાર પર ઈન્દ્રજીત ગુર્જર આવી ગયો હતો.

જેને રહેવા રૂમ આપેલો તે બાઉન્સર મિત્ર જ હત્યારો 

પીઆઈ ગોહિલે જણાવ્યું કે રાહુલના મર્ડર કેસમાં અમે ઈન્દ્રજીત ગુર્જરની ધરપકડ કરી છે, હત્યામાં તેનો મિત્ર ધીરજકુમાર પણ સામેલ હતો. જો કે, ધીરજકુમાર પોલીસના હાથ લાગ્યો નથી.

ગોહિલે ઉમેર્યું કે રાહુલે થોડાંક સમય અગાઉ સેમસંગ ગેલેક્સી કંપનીનો એકાદ લાખના મૂલ્યનો અલ્ટ્રા ૨૨ મોબાઈલ ફોન પચાસ હજાર રૂપિયામાં સેકન્ડ હેન્ડ ખરીદયો હતો. ઈન્દ્રજીતે આ ફોન ૬૦-૭૦ હજાર રૂપિયામાં વેચી આપી ફાયદો કરાવી આપશે તેમ રાહુલને જણાવેલું.

જો કે,  મોંઘો ફોન જોઈને ઈન્દ્રજીતની ‘દાઢ’ સળકી હતી. તેણે થોડાંક સમય અગાઉ યુપીથી તેના મિત્ર ધીરજકુમારને અંજારમાં બોલાવેલો અને નોકરીએ રખાવી દેવાનું વચન આપેલું. ઈન્દ્રજીતે ધીરજકુમાર જોડે મળીને આ મોબાઈલ ફોન લૂંટી લેવાનું કાવતરું ઘડ્યું હતું.

ગુરુવારે સાંજે રાહુલ ઘરે પહોંચ્યો કે તુરંત ઈન્દ્રજીત તેને હવાફેર કરવાના બહાને નર્મદા કેનાલ પાસે લઈ આવ્યો હતો. ઈન્દ્રજીતે જાણ કરતાં ધીરજ પણ બનાવ સ્થળે પહોંચી આવ્યો હતો.

બેઉ જણે સેમસંગ ફોન લઈ, તેનો પાસવર્ડ જાણીને ફોન લઈ લીધો હતો. બાદમાં ઈન્દ્રજીતે રાહુલને પકડી રાખેલો અને ધીરજે તેના ગળામાં છરી વડે વાર કરી લાશને કેનાલમાં નાખી દીધી હતી. પોલીસે જણાવ્યું કે ધીરજકુમાર અને ઈન્દ્રજીત બેઉ અગાઉ લખનૌમાં સાથે કામ કરતાં હતાં. ધીરજકુમાર અગાઉ દિલ્હીના એક મર્ડર કેસમાં પણ પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે. ધીરજને ઝડપી પાડવા ચોમેર શોધખોળ ચાલી રહી છે.

Share it on
   

Recent News  
ભુજ હની ટ્રેપકાંડમાં છઠ્ઠો આરોપી ઝડપાયોઃ મુસ્કાનનો કાકાજી સસરો બનેલો હાસમ ઝબ્બે
 
કંડલા પોલીસે બિહારમાં ‘મજૂર’ બની ગાંજાના ૩ કેસમાં ફરાર રીઢા આરોપીને ઝડપી પાડ્યો
 
૧ વર્ષમાં ૨૦૦ MMT કાર્ગો હેન્ડલ કરી મુંદરા અદાણી પોર્ટે ભારતમાં સર્જ્યો ઈતિહાસ