કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના જૂના સુગારિયા ગામે એકસાથે છ મંદિરોમાં ચોરી કરનાર ચોર બેલડીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી છે. ચોરી કરનાર બેઉ યુવકો જૂના અને નવા સુગારિયા ગામના જ રહેવાસી છે. રસપ્રદ બાબત એ છે કે ચોરી કર્યા બાદ બે પૈકી એક યુવકે ફરિયાદીને ફોન કરીને મંદિરોમાં થયેલી ચોરીના બનાવને કદી ચલાવી ના લેવાય કહીને ચોરી અંગે પોલીસને જાણ કરવા સૂચન કરેલું! મંગળવારની મધ્ય રાત્રિ બાદ બે વાગ્યાથી પાંચ વાગ્યાના અરસામાં ગામના છ મંદિરમાં સામૂહિક ચોરી થતાં ગામમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બાતમીના આધારે પુનિત શામજીભાઈ મરંડ અને પ્રદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના નવા તથા જૂના સુગારિયા ગામના બે યુવકોની અટક કરી પૂછપરછ કરતાં બેઉ જણે ગુનો કબૂલી લીધો છે.
મંદિરોમાંથી ચોરેલાં સોના ચાંદીના ૬૨ છત્તરો અને રસોડાના વાસણો વગેરે માલ ગામની ભાગોળે બાવળોની ઝાડીઓમાં છૂપાવેલો, જે પોલીસે રીકવર કરી લીધો છે. ક્રિમિનોલોજીમાં ગુના પૂર્વે અને ગુના પછીનું આરોપીનું વર્તન પણ ઘણીવાર પોલીસને ગુનો ઉકેલવામાં ખૂબ મદદરૂપ થતું હોય છે. અંજારના પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલે જણાવ્યું કે મંદિરોમાં સામૂહિક ચોરી થયા બાદ સવારે ગામમાં ભારે હોબાળો થયો હતો.
આરોપી પ્રદિપ જાડેજાએ ચોરીની ફરિયાદ નોંધાવનાર જીવાભાઈ ગુજરીયાને મોબાઈલ ફોન કરીને મંદિરોમાં આ રીતે ચોરી થાય તે ચલાવી ના લેવાય કહીને પોલીસને જાણ કરવા સૂચન કરેલું!
ફરિયાદી જીવાભાઈને ત્યારે કલ્પના સુધ્ધાં નહોતી કે પોલીસને જાણ કરવાની સૂચના આપનાર પ્રદિપે જ તેના સાગરીત પુનિત જોડે હાથ માર્યો છે. બેઉ જણ દારૂ પીવાની ટેવ ધરાવે છે અને અંગત મોજશોખ પૂરાં કરવાના હેતુથી તેમણે મંદિરોમાં ચોરી કરી હતી તેમ પીઆઈ ગોહિલે ઉમેર્યું છે.
Share it on
|