કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં રહેતી મહિલાના ઘેર વીશી પેટે મહિને ચાર હજાર રૂપિયા આપી ભોજન કરતાં યુવકે ત્રણ મહિનાની બાકી રકમની ઉઘરાણીથી ઉશ્કેરાઈને મહિલાના માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું. ગત રવિવારે બપોરે બાળકનું અપહરણ કરીને આરોપી પ્રવિણ શાહુ દિલ્હી તરફ નાસી ગયો હતો. ઘટના ધ્યાને આવતાં જ અંજાર પોલીસે આરોપીનું પગેરું દબાવીને બાળક સાથે તેને ગુડગાઁવથી ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પોતે ઉશ્કેરાઈને આ ગુનો આચર્યો હોવાનું પ્રવિણે કબૂલ્યું છે.
માસૂમ બાળક હેમખેમ છે અને તેને માતા નાનીને સુપરત કરી દેવાયું છે.
ઉલ્લેખનીય છે કે ફરિયાદી અને આરોપી બેઉ બિહારના વતની છે અને એકમેકના પરિચિત છે. આરોપીએ જ ફરિયાદી અને તેની માતાને વેલસ્પનમાં નોકરી અપાવી કચ્છમાં સેટ કરાવી દેવાના હેતુથી થોડાંક માસ અગાઉ કચ્છ બોલાવેલાં. પોતે એકલો રહેતો હોઈ મહિલાના ઘેર વીશીમાં ભોજન કરવા જતો હતો.
શરૂઆતના બે મહિના તેણે સમયસર રૂપિયા આપેલા પરંતુ છેલ્લાં ત્રણેક માસથી વીશીના બાર હજાર રૂપિયા ચઢી ગયાં હતાં.
અંજાર પીઆઈ અજયસિંહ આર. ગોહિલ, પીએસઆઈ એસ.જી. વાળા અને પી.એન. ઝાલા સહિત પોલીસ સ્ટેશનનો સ્ટાફે બાળકને હેમખેમ પરત લાવવા માટે ભારે દોડધામ કરી મૂકી હતી.
Share it on
|