કચ્છખબરડૉટકોમ, અંજારઃ છએક વર્ષ અગાઉ અંજારમાં બાઈક પર જતાં ત્રણ યુવકો પર છ જણની ટોળકીએ કરેલાં હુમલા અને એક યુવકની હત્યાના ચકચારી બનાવમાં અંજાર સેશન્સ કૉર્ટે એક આરોપીને દોષી ઠેરવી આઠ વર્ષની સજા સાથે ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે. હુમલા હત્યાનો બનાવ ૧૧ જૂન ૨૦૧૯ની રાત્રે સાડા દસના અરસામાં શહેરના માધવરાય ચોક ખાતે બન્યો હતો. મરણ જનાર ૨૧ વર્ષિય ફારુક જુસબ સમા તેના બે મિત્રો સોહિલ ઊર્ફે સોયેબ જુસબ સાંધાણી અને વસીમ યુસુફ હોથી સાથે મોટર સાયકલ પર જતો હતો. તે સમયે અમન શાંતિલાલ આહીર, પરેશ પ્રાણજીવન જોશી, મોમાય પાંચાભાઈ આહીર, સૂરજ મનોજભાઈ સોની, સાવન મનોજભાઈ સોની અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે તેમને અટકાવીને બેઝબોલના ધોકા તથા છરીથી હુમલો કર્યો હતો. સોહિલને બાઈક ચલાવવા મુદ્દે અગાઉ સાવન અને સૂરજ જોડે બબાલ થયેલી. તે અંગે સમાધાન થઈ ગયેલું. છતાં તેની અદાવત રાખીને આરોપીઓએ આ હુમલો કરી ફારુકની હત્યા નીપજાવી અન્ય બે મિત્રોને માર માર્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું હતું.
આ ગુનામાં અંજાર સેશન્સ કૉર્ટે ફરિયાદ પક્ષ હત્યા હુમલાનો ગુનો પૂરવાર કરી શક્યો ના હોવાનું અવલોકન કરીને ફારુકને છરી મારનાર અમન આહીરને હત્યા (ઈપીકો ૩૦૨) નહીં પરંતુ સદોષ માનવવધ (ઈપીકો ૩૦૪ (૨) હેઠળ દોષી ઠેરવી અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યાં છે.
અધિક સેશન્સ જજ કમલેશ કે. શુક્લએ ચુકાદામાં નોંધ્યું કે બનાવ અચાનક બન્યો હતો અને અમનનો ઈરાદો ફારુકની હત્યાનો હોવાનું રેકર્ડ પરથી પૂરવાર થતું નથી. પરંતુ, અમન સામે સદોષ માનવવધનો ગુનો પૂરવાર થાય છે. કૉર્ટે અમનને ઈપીકો ૩૦૪ (૨) હેઠળ ૮ વર્ષની સાદી કેદ સાથે ૧૫ હજાર રૂપિયા દંડ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ (હથિયારબંધીના જાહેરનામાનો ભંગ) હેઠળ બે માસની સાદી કેદ તથા પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Share it on
|