કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંગત અદાવતમાં કોઈનું રહેણાંક સ્થળ સળગાવી દઈને ઘરવખરી વાહનનોને નુકસાન પહોંચાડવાના ૨૩ વર્ષ જૂના એક ગુનામાં અંજાર સેશન્સ કૉર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા સાથે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વક્રતા એ છે કે આ ગુનાની ટ્રાયલ શરૂ થયાં બાદ આજ દિન સુધી પરપ્રાંતીય આરોપી કે ફરિયાદીનો કોઈ અતોપત્તો મળ્યો નથી! ઓલ્ડેસ્ટ ટાર્ગેટેડ કેસ હેઠળ અંજાર સેશન્સ કૉર્ટે ઉપલબ્ધ સાક્ષીઓની જુબાની તથા FSL રીપોર્ટને પૂરાવા ગણીને આરોપીને દોષી ઠેરવ્યો છે. જાણો શો હતો સવા બે દાયકા જૂનો કેસ
મધ્યપ્રદેશના ઈન્દોર નજીક આવેલા દેપાલપુર ગામના ૩૦ વર્ષિય મુકેશ રામેશ્વર ઓડ (રાજપૂત) સામે કમલ મોજીલાલ ઓડે અંજાર પોલીસ મથકે ૧૭-૦૪-૨૦૦૨ના રોજ પોતાના તથા નજીકના તંબુમાં રહેતા બંસીલાલના તંબુને કેરોસીન છાંટી આગ ચાંપીને સિત્તેર હજારની ઘરવખરી તથા બાઈકને સળગાવી નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવી હતી.
મુકેશ અને કમલ બેઉ ભૂકંપ બાદ વરસામેડીમાં નવા મકાનોના બાંધકામનો કોન્ટ્રાક્ટ લેતાં હતાં. જો કે, કમલને તેના કરતાં વધુ કોન્ટ્રાક્ટ મળતાં હોઈ મુકેશ સતત અદેખાઈ કરતો અને નાની મોટી વાતે ઝઘડા કર્યાં કરતો. બેઉ એક જ ગામના અને એક જ સમાજના હતાં.
કમલ તેના સાળા બાદરસિંહ ભુરિયા સાથે રહેતો અને બનાવના ત્રણેક દિવસ અગાઉ બાદરસિંહને મારી ભત્રીજી જોડે અનૈતિક સંબંધ છે તેવું આળ મૂકીને મુકેશે જોરદાર ઝઘડો કરેલો.
કમલના તંબુએ આવીને બાદરસિંહને ધમકી આપેલી કે ‘તું અને તારો બનેવી ગામ મૂકીને જતાં રહેજો નહિંતર હું તંબુને સળગાવી દઈશ’ ધમકી મુજબ મુકેશે કેરોસીન છાંટીને કમલના તંબુને આગ ચાંપી દઈ નુકસાન કર્યું હતું.
આ કેસમાં અંજાર પોલીસે ઈપીકો કલમ ૪૩૬ અને ૪૪૭ હેઠળ ગુનો દાખલ કરેલો. જો કે, પ્રારંભિક કાર્યવાહી બાદ મુકેશ પોતે ગામ મૂકીને નાસી ગયો હતો.
કૉર્ટમાં ફરિયાદીની જુબાની લેવા માટે ૨૦૦૬માં સમન્સ ઈસ્યૂ થયું ત્યારે ફરિયાદીનો પણ કોઈ અતોપત્તો મળ્યો નહોતો. આ કેસમાં આરોપી અને ફરિયાદીને અનેકવાર એમપીમાં તેમના વતનમાં સમન્સ મોકલાયેલાં પરંતુ તેઓ ત્યાં રહેતાં ના હોવાના જવાબ સાથે સમન્સ પરત આવતાં હતાં.
કૉર્ટે વર્ષો જૂનાં કેસોનો ઝડપથી નિકાલ કરવાના ભાગરૂપે ટ્રાયલ શરૂ કરેલી. તંબુને કેરોસીન છાંટી સળગાવાયા હોવાનો એફએસએલનો રીપોર્ટ, મુકેશે ધમકી આપી હોવાના અને તે મુજબ આગ ચાંપીને નુકસાન કર્યાની સ્થાનિક પંચોની જુબાનીને ધ્યાને રાખીને અંજારના અધિક સેશન્સ જજ કે.કે. શુક્લએ આજે મુકેશને દોષી ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ કેસમાં સરકાર તરફે એપીપી આશિષ પંડ્યાએ હાજર રહીને દલીલો કરી હતી. વર્ષો જૂના આ કેસમાં કેટલાંક સાક્ષીઓ પણ મૃત્યુ પામ્યાં હતાં. મુકેશ પકડાયાં બાદ સજાનો અમલ કરવા કૉર્ટે ચુકાદામાં નોંધ કરી છે.
Share it on
|